ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ
ભિલોડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે. મેઘરાજાએ સાબરકાંઠા, અરવલ્લીમાં તડામાર વરસાદ વરસ્યો. તેમાં અત્યારે સૌથી વધારે અરવલ્લીમાં વરસાદ નોંધાયો છે.
અરવલ્લીના ભિલોડોમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારો પાણી પાણી થયા છે. ધોધમાર વરસાદને પગલે પોલીસ સ્ટેશન વિસ્તાર,ગોવિંદનગરમાં પાણી ભરાયા છે. આ તરફ ઇડર -શામળાજી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અડધુ ટાયર પાણીમાં ડૂબે એટલા પાણી ભરેલા જોવા મળ્યા હતા.
તો આ તરફ ભિલોડામાં ધોધમાર વરસાદને ગોવિંદનગરના ચામઠાવાસ બેટમાં ફરેવાયુ. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. રીંટોડા, ધોલવાણી અને વાંકાનેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ઘમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. વહેલી સવારથી જ અરવલ્લીમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
તો આ તરફ સાબરકાંઠામાં હવામાનની આગહીને પગલે વરસાદની શરૂઆત થઇ. હિંમતનગર,ખેડબ્રહ્મા,વડાલી,ઇડરમાં વરસાદ વરસ્યો. વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી. હાલમાં સાબરકાઁઠાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની વકીને પગલે તંત્ર પણ સજ્જ થયુ છે.
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર, બનસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે