રાજકોટના સાંસદ મોહન કુંડારિયા કોરોનાથી સંક્રમિત
મોહન કુંડારિયા પોતાના નિવાસ સ્થાને થયા આઈસોલેટ
વિદેશથી પરત આવ્યા બાદ સાંસદમાં દેખાયા હતા કોરોનાના લક્ષણો
રાજ્યમાં કોરોનામાં વધારો થઇ રહ્યો છે. દિવસ જાય તેમ મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસે માથુ ઉચક્યુ છે, રાજકોટમા સાંસદ મોહન કુંડારિયા કોરોના સંક્રમિત થયા છે. મોહન કુંડારિયાને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ પોઝિટીવ આવતા નિવાસ સ્થાને જ આઇસોલેટ કરાયા છે. બે દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 30 જૂને નવા કોરોનાના વધુ 547 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 419 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3042 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 222 કેસ, સુરત કોર્પોરેશનમાં 82, વડોદરા કોર્પોરેશનમાં 46, ભાવનગર કોર્પોરેશનમાં 07, જામનગર કોર્પોરેશનમાં 13, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 15 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું હતું. જો તે હાલ તો તેઓ સ્વસ્થ છે. આ તરફ ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી કરી હતી. હાલ પૂર્ણેશ મોદી હોમ આઈસોલેશનમાં છે.