ગુજરાતના જૂનાગઢમાં પોલીસ કસ્ટડીમાં એક આરોપીના મોત બાદ પોલીસકર્મીઓની મુસીબતમાં વધારો થયો છે. હકીકતમાં, છેતરપિંડીના કેસમાં કસ્ટડીમાં રહેલા એક વ્યક્તિનું બુધવારે હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ પોલીસ અધિકારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આરોપી સબ ઇન્સ્પેક્ટર એમ.કે.મકવાણા મંગળવાર સાંજથી ફરાર હતો. પોલીસ અધિકારી હત્યાના પ્રયાસ અને ઈરાદાપૂર્વક ગંભીર ઈજા પહોંચાડવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. એફઆઈઆર નોંધાયા બાદ આરોપી પોલીસ અધિકારી ફરાર થઈ ગયો હતો. જૂનાગઢ બી-ડિવિઝનના નિરીક્ષક ગાયત્રી રાજપૂતે જણાવ્યું હતું કે છેતરપિંડીના કેસમાં આરોપી હર્ષિલ જાધવનું બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં કથિત કસ્ટડીમાં ત્રાસના દિવસો બાદ મૃત્યુ થયું હતું.
ઈન્સ્પેક્ટર રાજપૂતે કહ્યું કે તપાસ બાદ FIRમાં હત્યાનો આરોપ ઉમેરવામાં આવશે. હર્ષિલના ભાઈ બ્રિજેશ જાધવે નોંધાવેલી ફરિયાદ મુજબ, હર્ષિલની પોલીસે છેતરપિંડીના આરોપમાં જૂનાગઢમાં નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં 9 જાન્યુઆરીએ અમદાવાદમાં ધરપકડ કરી હતી.
આ કેસના તપાસ અધિકારી મકવાણાએ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક કોર્ટે આરોપીને પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. મૃતક હર્ષિલના ભાઈએ આરોપ લગાવ્યો કે પોલીસ અધિકારીએ તેને કસ્ટડીમાં ટોર્ચર ન કરવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. પરંતુ પૈસા ન ચૂકવતા હર્ષિલને સંપૂર્ણ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે લોહી ગંઠાઇ જવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આરોપીને 15 જાન્યુઆરીએ જામીન મળી ગયા હતા. પરંતુ 22 જાન્યુઆરીએ તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે આરોપીનું મોત નીપજ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.