Gujarat News: શહેર નજીક કપુરાઈ પાસે નિર્માણ પામી રહેલી નવી સાઇટ ઉપર એક ગોઝારી ઘટનામાં બે શ્રમજીવી યુવાનોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ગરમીથી બચવા માટે બન્ને યુવાનો નિર્માણાધિન સાઇટ નજીક ખુલ્લામાં મીઠી નિંદર માણી રહ્યા હતા. ત્યારે માટી ઠાલવવા માટે આવેલા ડમ્પરો પૈકી એક ડમ્પરે બન્ને યુવાનો ઉપર માટી ઠાલવી દેતા તેની નીચે દબાઈ જવાથી બન્ને મોતને ભેટ્યા હતા. તેમની સાથે કામ કરતા શ્રમજીવીઓએ બન્ને યુવાનોની શોધખોળ કરવા છતાં કોઈ સગડ ના મળતા આખરે શંકાના આધારે માટીના ઢગલા ખસેડી હતી. તેની નીચેથી બન્ને યુવાનોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વરણામા પોલીસે બનાવ સંદર્ભે બંનેની લાશ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી માટી ઠાલવનાર ડમ્પરચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના માંડલતા ગામે રહેતા કેટલાંક શ્રમજીવીઓ કપુરાઈ નજીક નિર્માણ પામી રહેલી ઓમ બંગલોઝની પાછળ આવેલી શિવાંસ બંગલોની સાઈટ ઉપર કડીયા કામ સહિતની મજૂરી કરતા હતા. મધ્યપ્રદેશના લગભગ આઠથી દસ જેટલા એક જ પરિવારના અને સગાસંબંધી યુવાનો નજીકમાં ઝૂંપડા બાંધી રહેતા હતા. જો કે બે યુવાનો ગરમી હોવાના કારણે નજીકમાં ખુલ્લામાં સુઈ ગયા હતા. 19 વર્ષીય નારૂભાઈ સુરતાનભાઈ ભાભોર અને અલ્કેશ બાબુભાઈ કટારા બંને ખુલ્લામાં સુતા હોઈ રાત્રીના સમયે સાઈટ ખાતે માટીના ડમ્પરોની અવરજવર ચાલું હતી.
આ દરમિયાનમાં એક ડમ્પરચાલક દ્વારા બંને યુવાનો ઉપર માટીનું ડમ્પર ખાલી કરી દેવામાં આવતા બંને માટી નીચે દબાઈ જતા મોતને ભેટ્યા હતા. મૃતક નારૂભાઇ ભાભોરનો ભાઈ કમલ ભાભોર દ્વારા પોતાના ભાઈની શોધખોળ કરવા છતાં બંને યુવાનો મળી આવ્યા ના હતા.
સાઇટના બિલ્ડર સહિત તમામ લોકો દ્વારા યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે શોધખોળના અંતે માટીના ઢગલા ખસેડવાનું ચાલુ કરતા એક ઢગલા નીચેથી બન્ને યુવાનોના મૃતદેહ હાથ લાગ્યા હતા. આ બનાવ સંદર્ભે વરણામા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી. જી. લાંબરિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. લાશોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કમલ ભાભોરની ફરિયાદના આધારે ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.