PM મોદી અને અમિત શાહ ગુજરાત સરકાર સાથે સંપર્કમાં
રેસ્ક્યુ માટે કેન્દ્ર સરકારે બે ખાસ હેલીકોપ્ટર મોકલ્યા
રાજ્ય સરકારને તમામ મદદની બાંહેધરી આપી
ભારે વરસાદને કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેને લઈ કેન્દ્ર સરકાર સતત CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંકલનમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારે વરસાદમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે બે ખાસ હેલીકોપ્ટર મોકલી આપ્યા છે. અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં સ્થિતિ રાત્રે વધુ વિકટ બની છે.નદીઓના પૂર ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળતા મોટી સંખ્યામાં પુરપીડિતો ફસાઈ ગયા છે.
ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પહોંચી વળવા સરકાર અને તંત્ર રાત દિવસ એક કરી લોકોના જીવ બચાવી રહ્યું છે. અનેક સ્થળો પર લોકો ફસાયા ત્યારે રેસ્ક્યુ માટે કેન્દ્ર સરકારે બે ખાસ હેલીકોપ્ટર મોકલ્યા છે. PM મોદી અને અમિત શાહ ગુજરાત સરકાર સાથે પૂર સ્થિતિને લઈ સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે. રાજ્ય સરકારને તમામ મદદની બાંહેધરી કેન્દ્ર સરકારે આપી છે.
મહારાષ્ટ્રના 2 ડેમ ઓવરફ્લો થતાં ત્યાંથી પાણી છોડાયું છે જેથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઇને CM ભૂપેન્દ્ર પટેલે ફરી સમીક્ષા કરી છે. કંટ્રોલરૂમ પહોંચી નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી છે. અને લોકોને ઝડપથી પૂરતી મદદ મળે તેવા નિર્દેશ કર્યા છે.
રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,177 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ 17,394 નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે 21,243નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ 570 નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યના 8 જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદવાળા નવસારી, ચિખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે.
રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 NDRFની ટીમ તૈનાત કરાઇ છે જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે. જ્યારે 22 SDRFની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે SDRFની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા 570 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં તા.7 જુલાઇથી અત્યાર સુધીમાં 43 માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. તે ઉપરાંત 477 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યના ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી સલામતિના કારણોસર 148 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,467 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમા 5,426 ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાઈ છે.
રાજ્યમાં થયેલા વરસાદના કારણે 27 સ્ટેટ હાઈવે, 30 અન્ય માર્ગો અને 559 પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.