અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધ્યો હતો. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. હાઈકોર્ટના કડક વલણ બાદ AMC તંત્રએ મૃતક યુવકના પરિવારને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો. AMC દ્વારા મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે. સાથે જ મહિના દરમિયાન કરેલી કામગીરીનું હાઈકોર્ટમાં મ્યુનિ.એ સોગંદનામું રજૂ કર્યું છે.
સોગંદનામામાં કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોર્પોરેશને રખડતા પશુને અટકાવવા અનેક પગલા લીધા છે. અમદાવાદમાં વધુ રખડતા પશુ હોય તેવા પોઈન્ટ ઓળખી કાઢવામાં આવ્યા છે. તમામ ઝોનમાં કુલ 21 ટીમને કામે લગાવવામાં આવી છે. 24 ઓગસ્ટથી 11 નવેમ્બર સુધીમાં શહેરમાંથી 5 હજાર 353 પશુને પકડવામાં આવ્યા છે. 3 નવા ઢોરવાડા બનાવ્યા અને બીજા 2 ઢોરવાડા હજુ બની રહ્યા છે. લાંભામાં પણ ઢોરવાડા બનાવવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલની ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ માટે પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા, જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરે બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. જે બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMCના જવાબદાર અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધાયો હતો.
આ રખડતાં ઢોરના લીધે એક માતાએ લાડકવાયો ગુમાવ્યો તો પત્નીએ જીવનસાથીનો સાથ ખોયો, આ મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા કારણકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની લાલચમાં આ પરિવારનો ઘર સંસાર ઉજાડી દીધો. હાઇકોર્ટે પણ આ પરિવારની વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નરોડામાં રખડતા ઢોરની અડફેટે ભાવિન પટેલના મૃત્યુ માટે જવાબ આપવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. જે બાદ AMCએ તેમના પરિવારને વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ કોર્ટે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.