ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સામાન્ય વરસાદ પણ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય બાદ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે એટલે હવામાન વિભાગનું પણ અનુમાન છે કે, નવેમ્બર સુધી બેવડી ઋતુનો એહસાસ થશે કારણ કે, લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા જ ગરમીનો અનુભવ થાય છે.
ચોમાસાની વિદાય બેવડી ઋતુઓ એહસાસ અને સાથે રાહ જોવાઈ રહી છે કે, શિયાળાની શરૂઆત ક્યારથી થશે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત કર્યું છે કે, ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે અને ઠંડી લાંબી ચાલશે.જોકે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય ત્યારે કડકડતી ઠંડી પડે છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાવવાનું શરૂ થાય ત્યાર બાદ લઘુતમ તાપમાન ઘટવાનું શરૂ થાય છે. પરંતુ હાલ તો બેવડી ઋતુનો અહેસાસ થશે અને ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે.
રાજ્યમાં ઉત્તર -ઉતરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી 5 દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રી પર નોંધાઇ રહ્યું છે. લઘુતમ તાપમાન 25 ડીગ્રી આસપાસ નોંધાયું છે. જોકે, છેલ્લા 12 દિવસમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35.4 ડીગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 25.5 ડીગ્રી નોંધાયું હતું.
જ્યારે ભુજનું મહત્તમ તાપમાન 39.3 ડીગ્રી નોંધાયું હતું. તો લઘુતમ તાપમાન 23.1 ડીગ્રી, નલિયાનું મહત્તમ તાપમાન 37.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 21 ડીગ્રી નોંધાયું છે.જો કે રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વચ્ચે 14 થી 16 ડીગ્રી તફાવત છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ ઠંડી માટે રાહ જોવી પડશે.