સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોયલેટમાં દારૂની ખાલી બોટલો મળી
છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS)માં રોષ જોવા મળ્યો
ગુજરાતમાં દારૂબંધી ખરેખર છે કે નહીં તેના પર સવાલ ઉઠ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોયલેટમાં દારૂની ખાલી બોટલો મળી આવતા છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS)માં રોષ જોવા મળ્યો છે. આ અંગે CYSS ના પ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું હતું કે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં ટોયલેટમાં દારૂની બોટલો મળવી એ શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ શિક્ષણ પરિષદના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ જાહેર સંસ્થાના ટોયલેટમાંથી દારૂની બોટલો મળવી એ ગુજરાતમાં દારૂબંધી ખરેખર છે કે નહીં તેના પર સવાલ ઉઠ્યો છે.
સુરજ બગડાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની ફરિયાદ મળતા અમે ટીમ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્થળ તપાસ માટે ગયા હતા. અહીં ટોયલેટમાં ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. તેમજ શિક્ષણના ધામના ટોયલેટમાં દારૂની બોટલો મળી આવી છે. અહીં કોઈ ધ્યાન રાખવાવાળુ કે સફાઈ કામદાર પણ નથી. દરેક ભવનના ટોયલેટની અંદર ગંદકી અને તૂટેલી હાલતમાં છે. દારૂબંધી વચ્ચે શિક્ષણના ધામમાં આવી રીતે દારૂ પીવાતો હોય તો વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત માટે ખૂબ ચિંતાનો વિષય છે.
શિક્ષણના પવિત્ર ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલોના દૃશ્યો નજરે પડતાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા CYSSને રજુઆત કરી હતી. જેને લઈ રૂબરૂ સ્થળ તપાસ કરતા ત્યાંના ગંદકીના તેમજ દારૂની બોટલોના દૃશ્યો સામે આવતા CYSSની ટીમ કુલપતિને રજુઆત કરવા ગઈ હતી. પરંતુ કુલપતિ હાજર ન હોય રજિસ્ટ્રારને જાણ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ શરમજનક કહેવાય, આની તપાસ કરવામાં આવે. સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે, ભવિષ્યમા એવું ન થાય તેના માટે યોગ્ય પગલા લેવામા આવે અને બે દિવસમાં સફાઈ કરવામાં આવે. જો આમ નહીં થાય તો યુનિવર્સિટી ખાતે CYSS હલ્લાબોલ કરશે.