રાજ્ય સરકાર સામે એક પછી એક વિરોધ વધી રહ્યા છે. જ્યાં હજી જૂની પેન્શન સ્કીમ કે નિવૃત સેના જવાનોના પ્રશ્ન પર સરકાર નિરાકરણ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે ત્યાં આજે જંગલના રખેવાળો એવા વનરક્ષકો અને વનપાલો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય વન રક્ષક અને વનપાલ કર્મચારી મંડળ સરકાર સામે પોતાના ગ્રેડપે વધારાને લઈને માંગણીઓ કરી રહ્યું છે. તેમજ તેમના એલાઉન્સ અંગે પણ લાંબા સમયથી તેમણે માંગણી કરી હતી પણ જેનું નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી. જેથી આજે મોટી સંખ્યામાં વનરક્ષકો અને વનપાલ આખરે પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર એકત્ર થયા છે..
આ ઉપરાંત નોંધનીય વાત એ છેકે પોતાની બઢતી અને ભરતીમાં થઈ રહેલા વિલંબના કારણે વનવિભાગના કર્મચારીઓ 6 સપ્ટેમ્બરથી રજા ઉપર પણ ઉતરેલા છે. તેમજ તેઓ દ્વારા આજે ગાંધીનગરમાં ક્લેકટરને તેમજ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને આવેદનપત્ર આપીને પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડલ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.
બીજી તરફ નિવૃત આર્મી જવાનોના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નિવૃત્ત આર્મિ જવાનોની બેઠક નિષ્ફળ રહી છે. જેથી નિવૃત્ત આર્મી જવાનોના દેખાવો યથાવત રહેશે. માંગણીઓ સંદર્ભે લેખિત બાંહેધરી ન અપાતા નિવૃત્ત આર્મી જવાનો દેખાવો યથાવત રાખશે.