આજે ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ અને આરોગ્યકર્મીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો માટે કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતોની બલરામ ભવનથી વિધાનસભા તરફ કૂચ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ દરમ્યાન સરકાર દ્વારા રચાયેલી સમિતિ પર કિસાન સંઘે પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે રચેલી સમિતિ CM સુધી યોગ્ય વાત પહોંચાડતી નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિને ખેડૂતો માટે સમય નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિના 5 સભ્યો એક સાથે બેસતા નથી. ખેડૂતોના પ્રશ્નો હલ ન થવા પર આ સમિતિ જવાબદાર છે.”
મહત્વનું છે કે, હાલ ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીને અટકાવી દેવાઈ છે. મંત્રી નિવાસસ્થાન પાસે કિસાન સંઘની રેલી અટકાવી દેવાઇ છે. ખેડૂતોએ રસ્તા ઉપર જ સભા કરવાનું એલાન કર્યુ છે. કિસાન સંઘ મંત્રી નિવાસસ્થાન પાસે જ રસ્તા પર સભાને સંબોધશે. હાલ મંત્રી મંડળ નિવાસસ્થાન પાસે પોલીસની ચુસ્ત કિલ્લેબંધી કરી દેવાઇ છે.
તો બીજી બાજુ ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્યકર્મીઓ ત્રણ માંગોને લઇને આકરાપાણીએ છે. મુખ્ય ત્રણ માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. જેમાં ટેક્નિકલ સંવર્ગ ગણીને ઉચ્ચતર પગાર ધોરણની આરોગ્ય કર્મીઓ માંગ કરી રહ્યાં છે. આ સાથે કોરોનાની કામગીરી દરમ્યાન કરેલા કામોમાં રજા પગારની માંગ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોરોના વોરિયર્સ પણ ભથ્થાની માંગ કરી રહ્યાં છે.
જોકે છેલ્લા 38 દિવસથી રાજ્ય સરકાર ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય કર્મચારીઓને મચક નથી આપતી. જેના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓનો પરિપત્ર કરાવવા આક્રમક બન્યા છે. આથી આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના હજારો કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા એકત્ર થયા છે.