સુરતના કામરેજ ખાતેથી 25.80 કરોડની નકલી નોટો પકડાયા બાદ સુરત પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની નકલી નોટનો જથ્થો મળી આવ્યો છે. આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો, તેઓ ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના હોવાની અને નોટ પર રિવર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખ્યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું જણાવ્યું છે.
સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલે પોલીસે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સને રોકાવી તલાસી લીધી હતી. જેમાં જુદા-જુદા બે મોટા બોક્સમાંથી રૂપિયા 25.80 કરોડની રૂપિયા 2,000ની જાલી નોટનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો જામનગરથી રાજકોટ થઈ સુરત લઈ જવાતો હોવાની વિગતો જાહેર થઈ હતી.
મૂળ કાલાવડ પંથકના હિતેશ કોટડીયાએ અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામની ફિલ્મના શૂટિંગ માટે આ નોટ ફોટો કોપી કરાવી હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ હતી. આ દરમિયાન હિતેશ કોટડીયાની પૂછપરછમાં વધુ જથ્થો કાલાવડ પંથકમાં સંતાડ્યો હોવાની કેફિયત સામે આવી હતી.
જેથી સુરત પોલીસે જામનગર દોડી આવી હતી અને કાલાવડના મોટા વડાળા ગામે વાડીમાં મગફળીના ભુકામાંથી વધુ નકલી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર, સુરત પોલીસે સુરત જિલ્લામાં બનાવટી નોટ અંગે કાર્યવાહી કરી હતી. જેમાં ખુલેલી વિગતોના અનુસંધાને સુરત પોલીસે આજે કાલાવડ પંથકમાં ઓપરેશન પાર પાડ્યું છે.
જેને લઈને સુરત પોલીસે કાલાવડ પંથક પહોંચી હતી અને એક સ્થળેથી મગફળીના ભુકામાંથી વધુ કેટલીક બનાવટી નોટો કબ્જે કરી છે. જોકે, આ નોટ ક્યાં છાપી છે? અને ખરેખર ફિલ્મ માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.