રાજ્યના ગૃહમંત્રીએ પેપર રદ મુદ્દે કરી જાહેરાત
આગામી માર્ચ મહિનામાં ફરી પરીક્ષા યોજાશે
હેડ ક્લાર્ક પેપર લીક મામલે ત્રણ આરોપીઓ કોર્ટમાં રજૂ
સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે રાજ્યના ગૃહમંત્રીએ આજે મોટી જાહેરાત કરી છે. હેડ ક્લાર્કની પરીક્ષાનો પેપર લીક મુદ્દે 14 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ મુખ્ય આરોપી જયેશ પટેલની પણ અંતે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે, ‘પોલીસે આજ દિન સુધીમાં 30 લાખની રકમ જપ્ત કરી છે.’
હર્ષ સંઘવીએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે, ”વિદ્યાર્થીઓનાં હિતમાં હેડ ક્લાર્ક પરીક્ષા રદ કરવામાં આવે છે. એટલે કે આ પરીક્ષા આગામી માર્ચ મહીનામાં ફરી યોજાશે. ફોર્મ ભરનારા જૂના ઉમેદવારો આ પરીક્ષામાં લાયક ગણાશે. લેખિત પરીક્ષા રદ કરવી એ યોગ્ય જણાય છે. જેમની ઉંમર વધી જતી હશે તેઓની ઉંમરને માન્ય રખાશે.”
સાથે જ હર્ષસંઘવીએ પત્રકાર પરિષદમાં ઉમેર્યું હતું કે, ‘ઉમેદવારોની મહેનત સાથે તેમનો પરિવાર જોડાયેલો છે. પારિક્ષા પૂર્ણ થયાના થોડા કલાકો બાદ આમ આદમી પાર્ટીના નેતાએ પેપર લીક થયાનો ઘટસ્ફોટ કર્યો હતો. સાથેજ તેમણે અનેક પુરાવાઓ પણ રજૂ કર્યા હતા.
જેને પગલે રાજ્યના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. અને રાજ્યના ગૃહમંત્રીએ પણ મામલાની ગંભીરતા લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘આ ગુનામાં પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીઓ સામે સખત પગલાં લેવાશે.
રાજ્યના 88,000 પરિવારના સપનાં એળે નહીં જાય. આ કેસને હિસ્ટોરિકલ સમયમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાયદા વિભાગ સાથે પરામર્શ કર્યો છે કે આ કેસ ઝડપથી કઇ રીતે ઉકેલાય. રાજ્યના લાયક યુવાન ઉમેદવારોની મહત્વાકાંક્ષા પર આંચ ન આવે તે માટે પરીક્ષા રદ કરવી યોગ્ય જણાય છે.’ પેપરલીક મામલે પકડાયેલ કેટલાક આરોપીઓ માથી બે વિદ્યાર્થીઓ અને જયેશ પેટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.