અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર એવા ફ્લાવર શોના આયોજનની તૈયારીઓને મહાનગરપાલિકા દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. AMC દ્વારા જાન્યુઆરી માસના પ્રથમ પખવાડીયામાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે ફ્લાવર શોમાં ખાસ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જો કે કોરોનાએ વિશ્વમાં જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેને જોતા ફ્લાવર શોમાં કોરોનાના કડક નિયમોનું પાલન કરાવાશે.
મુલાકાતીઓ માટે માસ્ક ફરજીયાત
અમદાવાદમાં 2 વર્ષ બાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે. તારીખ 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવાનો નિર્ણય લેવાયો છે. માસ્ક પહેર્યું હશે તો જ ફ્લાવર શોમાં પ્રવેશ મળશે. પ્રવેશ માટે મુલાકાતીએ 30 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. ઈવેન્ટ સેન્ટર પર 20થી વધુ ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે. ફ્લાવર શોમાં 200 થી વધુ પ્રજાતિના 5 લાખથી વધુ સ્વદેશી અને વિદેશી ફૂલ છોડ જોવા મળશે. આ ઉપરાંત ઉપરાંત 20થી વધુ સેલ્ફી પોઇન્ટ, પશુ પંખી સહિત વિવિધ વિષયના આકર્ષક ફ્લાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે.
ફલાવર શોમાં રહેશે વિવિધ આકર્ષણ
ફ્લાવર શોમાં ઉભા કરવામાં આવેલા ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે.
સંભવિત ભીડના પગલે અટલ બ્રિજ બપોર પછી રખાશે બંધ
તો બીજી તરફ ફ્લાવર શો દરમિયાન અટલ બ્રિજ બપોરે બે વાગ્યા પછી બંધ કરી દેવાશે. ફ્લાવર શોમાં આવતી ભીડને અનુલક્ષીને તંત્ર દ્વારા અટલ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.