પરિશ્રમથી કોઈ પણ સિદ્ધિ હાસલ કરી શકાય છે તે વાતને ખરા અર્થમાં સુરતની 24 વર્ષીય ધ્રુવી જસાણીએ સાર્થક કરી બતાવી છે. સુરતની ધ્રુવી જસાણીની નાસાના પ્રોગ્રામમાં સ્પેસ આર્કિટેકના અભ્યાસ માટે પસંદગી થઇ છે. એક સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવી આના માટે છેલ્લા 6 વર્ષથી મહેનત કરતી હતી અને આખરે અથાગ પરિશ્રમથી તેણે આ સિદ્ધિ હાસંલ કરી છે
સુરતની મધ્યમ વર્ગની ધ્રુવી જસાણીની અમેરિકા સ્થિત નાસા યુનિવર્સિટીમાં સ્પેસ આર્કિટેક અભ્યાસક્રમમાં પસંદગી પામી છે. ધ્રુવી કિશોરભાઈ જસાણીએ અવકાશયાત્રીઓ માટે સુવિધા ઉભી કરાવવા માટેના પ્રોજેક્ટના અભ્યાસક્રમાં પ્રવેશ મેળ્યો છે. ધ્રુવી નાસાના મંગળ અને ચંદ્ર પર સંશોધન મિશનમાં સ્પેસ આર્કિટેકનો જે અભ્યાસક્રમ છે, તે ભણશે. ધ્રુવી જસાણીનો પરિવાર સુરતના ઉતરાયણ વિસ્તારમાં રહે છે. ધ્રુવીના પિતા હેન્ડલુમના વ્યવસાય સાથે જ્યારે તેની માતા ઘરકામ કરે છે જ્યારે ભાઇ-બહેન અભ્યાસ કરી રહ્યાં છે. નાસા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પસંદગી થતાં પરિવાર અને સુરતવાસીઓમાં ખુશીનો માહોલ છે.
અવકાશયાત્રીઓને સુવિધા પૂરી પાડવાની ઉપલબ્ધી હાંસલ કરી
સુરતની ધ્રુવી જસાણી આગામી દિવસોમાં અમેરિકા ખાતે નાસામાં જશે. ધ્રુવીની સિદ્ધિની વાત કરવામાં આવે તો તેણે અવકાશયાત્રીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓમાં ઉપલબ્ધી હાંસલ કરી છે. અવકાશયાત્રીઓએ અનેક મહિનાઓ સુધી સ્પેસમાં રહેવું પડે છે. જ્યાં તેમને જોઇએ તેટલી સુવિધાઓ મળતી હોતી નથી. જેના કારણે તેઓને પોતાના સંશોધનો પૂરા કરવામાં મુશ્કેલી આવતી હોય છે અને ક્યારેક સંશોધન પૂરા પણ થઇ શકતા નથી. અવકાશયાત્રીઓની આ મુશ્કેલીને દૂર કરવા માટે નવી જ રીત શોધી કાઢતા હવે અનેક ઉપલબ્ધી મળી શકશે.
3 થી 4 કલાકની જ ઊંઘ લઇ શકાતી હતી
ધ્રુવીએ જણાવ્યું હતું કે નાનપણથી જ રીચર્સ જેવા વિષયમાં ખુબ જ રસ હતો. અહી સુરતમાં આર્કિટેકના અભ્યાસ સાથે નાસાના આ પ્રોગ્રામ માટે તૈયારીઓ કરતી હતી. નાસાની સૂચિત વેબસાઈટ પર લેકચર કર્યા હતા. ટાઈમઝોનને કારણે અહી રાતે 10 થી 3 કે 4 વાગ્યા સુધી લેકચર ચાલતા હોવાથી 3 થી 4 કલાકની જ ઊંઘ લઇ શકાતી હતી. આ તૈયારીઓ અંગે પરિવારને સરપ્રાઈઝ આપવા 6 વર્ષથી મહેનત કરતી હતી.
શિક્ષણમંત્રીએ શુભેચ્છા પાઠવી
સુરતની દીકરીને અભિનંદન પાઠવવા માટે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા ધ્રુવીના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે સતત પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને શાલ ઓઢાડી તથા ગુલદસ્તો આપી તેનું સન્માન કર્યું હતું. નવી કારકિર્દી માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, એક સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવીએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર શિક્ષાને જ જીવનનું લક્ષ્ય બનાવીને ધ્રુવીએ અથાગ મહેનત કરી અને આજે નાસામાં સ્થાન મેળવ્યું છે. ધ્રુવી ખૂબજ આગળ વધે અને અન્ય યુવતીઓ પણ તેમાંથી પ્રેરણા લઇને આગળ વધે તેવો સંદેશો પાઠવ્યો હતો.