જૂના વાહનો ભરી યમન જઈ રહેલા ‘રાજ સાગર‘ વહાણની જળસમાધિ
વહાણમાં રહેલ કેપ્ટન અને એક ક્રુ મેમ્બરના મોત
પોરબંદરનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું
પોરબંદરના ‘રાજ સાગર’ નામના માલવાહક વહાણે ઓમાનના દરિયામાં જળસમાધિ લેતા વહાણના કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 8ને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનાર વહાણ સલાલા બંદરથી જૂના વાહનો ભરી યમન જઈ રહ્યું હતું.
‘રાજ સાગર’ વહાણ દુબઈથી કેપ્ટન સહિત 10 ક્રુ મેમ્બરો સાથે જુના વાહનો ભરીને રવાના થયુ હતુ. ત્યાર બાદ વહાણ ડુબતા કેપ્ટન તથા અન્ય એક ક્રુ મેમ્બર મળી બે વ્યકિતના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 8 વ્યક્તિઓનો સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા.
પોરબંદરના રાજ સાગર નામનુ વહાણ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પહોંચ્યા બાદ દરFયામાં ડુબવાની ઘટના સામે આવી છે. જળસમાધિ લેનારા વહાણ રાજ સાગર બે-ચાર દિવસ પહેલા જ દુબઈથી જૂના વાહનો ભરીને યમન જવા નીકળેલ હતુ. આ વહાણ ગત મોડીરાત્રીના ચાર વાગ્યાના અરસામાં ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર જળ સમાધી લીધી હતી. વહાણે જળ સમાધિ લીધા બાદ વાહનોનો કાટમાળ અને ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઈ આવી હતી.
ઓમાનના દરિયામાં ડુબી ગયેલ ‘રાજ સાગર’ વહાણ પોરબંદર ખારવા સમાજના આગેવાન ઇકુ ગગન શિયાળની માલિકીનું હતુ. જે પોરબંદરથી 6 મહિના પહેલા નિકળ્યુ હતુ અને મોટા ભાગે દુબઈથી યમન વચ્ચે માલ-સામાનનું પરિવહન કરતુ હતું.