ગુજરાતના ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે દોડતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મુંબઈ અમૃતસર એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ભરૂચના સિલ્વર બ્રિજ પાસે ટ્રેનમાંથી નીકળતા ધુમાડાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એન્જિનના બીજા ડબ્બામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડો નીકળતો જોઈ મુસાફરો ડરી ગયા હતા અને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેન 45 મિનિટ માટે ઉભી રહી. ફાયર બ્રિગેડની સાથે પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે, હાલ કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રેન મુંબઈથી અમૃતસર જઈ રહી હતી.
ટ્રેનમાં હાજર કર્મચારીઓએ આગ અંગે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ભરૂચ ફાયર વિભાગ અને ટ્રેનના જવાનો ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મુસાફરોને અન્ય કોચમાં બેસાડીને ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી, જ્યાં તપાસ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી
10 નવેમ્બરની સવારે ઈટાવા સ્ટેશન નજીક ઉંચહર એક્સપ્રેસના એક ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી જ્યારે એક વ્યક્તિ મિડલ બર્થ પરથી ઉતરી રહ્યો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન રવિવારે સવારે ઇટાવા પહોંચી અને લગભગ 10 મિનિટ પછી જ્યારે તે આગળ વધવા લાગી તો કેટલાક મુસાફરોએ ચેન ખેંચીને તેને રોકી દીધી. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે, “S-4 ડબ્બામાં આગની જાણ બર્થ નંબર 49 થી 53 ની વચ્ચે કરવામાં આવી હતી અને જ્યાં સુધી રેલ્વે પ્રોટેક્શન ફોર્સ, સ્ટેશન માસ્ટર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં મુસાફરોએ ટ્રેનમાં હાજર રેલ્વે સ્ટાફને જાણ કરી દીધી હતી. અને અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.