ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે એક સિંહણ પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ગિરનાર પર્વત પર બે દિવસ પહેલા સાત ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. થોડા જ સમયમાં એક સાથે ધોધમાર વરસાદ ખાબકી જતા નદીઓમાં પૂર આવ્યા હતા. આ દરમિયાન ડેરવાણ નજીક રેવન્યુ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક સિંહણનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદમાં સિંહણનો મૃતદેહ કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સિંહણનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગનું અનુમાન છે કે 24 કલાક પહેલા સિંહણનું મોત થયું હોઈ શકે છે. મૃતક સિંહણની ઉંમર પાંચથી નવ વર્ષ હોઈ શકે છે.
ગુજરાતમાં અત્યારસુધી પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 113.14 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં 178.44 ટકા પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 120.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 91.98 ટકા, સૌરાષ્ટ્રમાં 105.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 119.40 ટકા વરસાદ પડ્યો છે.
દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એશિયાટિક સિંહોની વસ્તી છે. ગત વર્ષે જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં સિંહોની વસ્તી વધીને 674 થઈ છે. 2015ના વર્ષમાં આ આ સંખ્યા 529 હતી. એટલે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિંહના વિચરણનો વિસ્તાર હાલ 30 હજાર ચોરસ કિલોમીટર જેવો છે. સિંહોના વિસ્તરણ વિસ્તારો જોઈએ તો તેમાં ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.
કહેવત છે કે સિંહના ટોળા ન હોય! જોકે, ગીરના જંગલમાં અનેક વખત સિંહના ટોળા જોવા મળે છે. આ અંગેની તસવીરો તમે અનેક વખત જોઈ હશે. જોક, ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે એક સાથે 18 સિંહ કેમેરામાં કેદ થયા છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ તસવીરો પ્રકૃતિ પ્રેમીઓને વિસ્મયમાં મૂકી દીધા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ અદભૂત દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે.