આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર ગરબાની તૈયારીઓ થઈ રહી છે. આ સાથે નવરાત્રીમાં શક્તિપીઠનો મહિમા વિશેષ હોય છે. રાજ્યમાં વિવિધ શક્તિપીઠોમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે. નવરાત્રીમાં લોકોના ઉત્સાહની વાત કરીએ તો પાવગઢની પાવન ધરી પર પ્રથમ નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું છે. લોકો મહાકાળીમાતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે.
માતાજીના દર્શન કરવા માટે મધ્યપ્રદેશ અને રાજ્યભરમાંથી પ્રથમ નોરતે પદયાત્રીઓ અને ભક્તો રાત્રે જ આવી પહોંચે છે. ભક્તોની સુવિધા ધ્યાનમાં રાખી રોપ વે સેવા પણ સવારે 4 વાગે શરૂ કરી દેવાઈ છે. આ સાથે બીજી પણ બાબતો અને સુરક્ષાનું ધ્યાન રાખતા વિવિધ સુવિધાઓ ગઠવવામાં આવી છે. યાત્રાધામમાં આવતા દર્શનાર્થીઓ માટે રસ્તા પર ફૂટપાથ બનાવામાં આવી જેથી એઓને રસ્તા પર ચાલવુ પડે. પાવાગઢએ 51 શક્તિપીઠોમાનું એક ગણાય છે. જેનો મહિમા પણ અનેરો માનવામાં આવે છે. જેથી લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે.
સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રિમાં શક્તિની આરાધનાનો મહિમા અનેરો છે. અમદાવાદની વાત કરીએ તો વહેલી સવારથી ભદ્રકાલી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અહીં નવરાત્રીના નવ દિવસ માતાજીને ખાસ રંગીન વસ્ત્રોનો શણગાર કરવામાં આવશે.જેમાં સિંહ, હંસ, નંદી સહિત વિવિધ સવારીનો શણગાર કરવામાં આવશે. આઠમા નોરતે માતાજીને મહા સિંહાસન પર બિરાજમાન કરાવાશે. નવરાત્રી દરમિયાન હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે માતાજીને આજે શૈલ પુત્રીનો શણગાર છે.
અત્યારે રાજ્ય સહિત વિશ્વમાં ઘણી જગ્યાએ લોકો નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતી ભલે દુનિયાના ગમે તે ખૂણામાં રહેતો હોય પણ પોતાને ગરબે રમતા રોકી શક્તો નથી. ત્યારે રાજ્યમાં લોકો વિવિધ રીતે નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી બંને નવરાત્રીનું મહત્વ હોય છે. આ વસંતીય ચૈત્રી નવરાત્રીને કારણે અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે.
ગુજરાત રાજ્યની ઉત્તર દિશામાં આવેલ એવલ્લી પર્વતની ગીરીમાળામાં મા અંબાનો ગબ્બર આવેલો છે. જ્યારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલ મા અંબાનું અંબાજી મંદિર એ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીથ માનવામાં આવે છે. અહીં આવેલા મુળ ગબ્બરને આરાશુરનું શિખર પણ કહેવામાં આવે છે. નવરાત્રીમાં અહીં ગરબાની ભારે રમઝટ જામે છે. માતાના ચાચક ચોકમાં ગરબાની રમઝટ બોલાવામાં આવે છે. અહીં દુનિયાભરમાંથી લોકો ગરબા રમવા આવતા હોચ છે.