હિંદ મહાસાગરમાં ખનિજોનો વિશાળ ભંડાર ભારતને નિકલ અને કોબાલ્ટ ધાતુઓમાં આત્મનિર્ભર બનાવી શકે છે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓથોરિટી (ISA)ના ટોચના અધિકારીએ આ જાણકારી આપી. મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી લિથિયમ-આયન બેટરીમાં નિકલ અને કોબાલ્ટ મહત્વપૂર્ણ ઘટકો છે. ISAના સેક્રેટરી જનરલ માઈકલ ડબ્લ્યુ. લોજે ‘ડીપ ઓશન મિશન’ દ્વારા આ દિશામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ઊંડા દરિયાઈ ખાણકામમાં વૈશ્વિક ભૂમિકા ભજવી શકે છે.
માઈકલ ડબ્લ્યુ. લોજે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સીબેડ માઈનિંગ’ના પ્રસંગે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. ISA સેક્રેટરી જનરલે કહ્યું, “ભારત 1980ના દાયકાથી ઊંડા સમુદ્રના ખાણકામમાં પ્રારંભિક અગ્રણી રોકાણકારોમાંનું એક હતું. તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. ‘ડીપ ઓશન મિશન’ હેઠળ ભારતની પ્રગતિ અસાધારણ રહી છે. ઊંડા સમુદ્રના ખનિજ સંશોધન અને શોષણના ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે.
ISA એ 167 સભ્ય દેશો અને યુરોપિયન યુનિયનની આંતર-સરકારી સંસ્થા છે, જેનું મુખ્ય મથક કિંગ્સ્ટન, જમૈકામાં છે. માઈકલ ડબ્લ્યુ. લોજે કહ્યું કે તેઓ ભારતમાં રાજકીય, વૈજ્ઞાનિક અને તકનીકી પ્રતિબદ્ધતાથી “અત્યંત પ્રોત્સાહિત” છે અને ભારત આ ક્ષેત્રમાં અન્ય કોઈપણ દેશ સાથે સ્પર્ધા કરી શકે છે.
તેમણે કહ્યું, “ભારત નિકલમાં આત્મનિર્ભર નથી, અને જો તમે સ્થાનિક સપ્લાયનો વિકાસ નહીં કરો તો આ ભારત માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. પરંતુ, ભારતની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે સમુદ્રના તળમાં પર્યાપ્ત નિકલ છે. જો ભારત વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ખનિજોમાં અગ્રેસર બનવા માંગે છે, તો ભારત પાસે તે કરવાની ક્ષમતા છે. એ જ રીતે, ભારત પાસે કોબાલ્ટ માટે કોઈ સુરક્ષિત સ્ત્રોત નથી. પરંતુ સમુદ્રનું માળખું તે સ્ત્રોત પ્રદાન કરે છે.”