વડોદરામાં બીજા નોરતે ભાયલી ગામની સીમમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું. આ કેસમાં પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. દુષ્કર્મ આચરનારા નરાધમોને ઝડપી અને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે 17 દિવસમાં જ 6 હજાર જેટલા પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં નરાધમો સામે 100 સાક્ષીના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા છે.
શું છે સમગ્ર મામલો
ભાયલી- બીલ ટીપી રોડ ઉપર નવરાત્રિના બીજા નોરતે મિત્રોને મળવા ગયેલી સગીરા ઉપર બાઇક સવાર લવરમુછીયાઓએ દુષ્કર્મ આચર્યું. મુલાકાત સમયે વાતોવાતોમાં ઉન્માદમાં આવી 5 શખસોમાંથી 3 હવસખોરોએ કામવાસના સંતોષી. આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આ ઘટનાની તપાસ માટે એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી. શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા 5 નરાધમો મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આરોપીઓને બે વખત કોર્ટમાં રજૂ કરી પ્રથમ વખત 2 દિવસ અને બીજી વખત 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ કરી હતી.
8 ઓક્ટોબરે આરોપીઓને બે દિવસના રિમાન્ડ મેળવી આકરી પુછપરછ કરી. પોલીસને શંકાની સોય વધુ મજબૂત જણાતા કેટલાક પુરાવા એકઠા કરવા માટે વધુ રિમાન્ડની જરૂર હોવાથી પોલીસે 10 ઓક્ટોબરે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે રિમાન્ડ અરજી અને વકીલોની દલીલોને ધ્યાનમાં લઇ તા. 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ એટલે કે 4 દિવસના મંજૂર કર્યા હતા. પોલીસે રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીઓએ ચોકાવનારા ખુલાસા કરી દુષ્કર્મની કબુલાત કરી હતી.