ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ
સેનિટેશન ટીમે બસને ધક્કો મારીને મહામહેનતે રેસ્ક્યૂ કરી
ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું અને પાણી ભરાયું
રાજકોટ જિલ્લામાં શુક્રવારે અષાઢીબીજે બપોર બાદ મેઘરાજાએ વીજળીના કડાકાભડાકા સાથે પધરામણી કરી હતી. એ સમયે ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં પાણી ભરાતાં મારવાડી યુનિવર્સિટીની બસ ફસાઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા બસ-ડ્રાઇવરે બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહનવ્યહાર ખોરવાયો હતો છતાં પણ બસ-ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને બ્રિજમાં ઉતારી હતી. જોકે ગોંડલની સેનિટેશન ટીમ દ્વારા બસને ધક્કો મારીને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.
નોંધનીય છે કે ગોઠણડૂબ પાણી ભરાતાં પુલની બન્ને બાજુ ટ્રાફિકજામ થયો છે. ગોંડલની ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાસબાગ અને નાની બજાર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો. ભારે વરસાદથી ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયાં હતાં. ગોંડલના કોલીથડમાં ધોધમાર વરસાદથી નદી બે કાંઠે થઈ હતી. ગામના મધ્યમાંથી પસાર થતી નદીમાં ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું હતું.
આ ઉપરાંત લોધિકા પંથકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ પડતાં ફોફળ નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું અને આ વખતે વીજપોલનું કામ કરતા મજૂરો ઘરે પરત જવા નીકળ્યા હતા. એ દરમિયાન નદીના કોઝવેમાં ગાડી ફસાતાં અંદર બેઠેલા સાત મજૂરના જીવ જોખમમાં મુકાયા હતા અને કાર પણ ઘોડાપૂરમાં તણાવા લાગી હતી.
એ સમયે કારમાં અંદર બેઠેલા મજૂરો મહામહેનતે ગાડીની છત પર જીવ બચાવવા ચડી ગયા હતા. જોકે આ ઘટનાની જાણ ગામના લોકોને થતાં તેમણે કારમાં સવાર સાત લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ- ઓપરેશન શરૂ કર્યું હતું. ગામના તરવૈયાઓએ પોતાનો જીવને જોખમમાં મૂકીને નદીમાં કૂદી પડ્યા હતા અને સાતેય લોકોને દોરડા વડે ખેંચીને નદીના પૂરમાંથી બહાર કાઢ્યા હતા અને તમામને બચાવી લીધા હતા.