ધોરણ 12 સાયન્સ અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું
ગુજરાત શિક્ષણબોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ જોઇ શકશો
85.78 % સાથે રાજકોટ અવ્વલ, દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ
આખરે છેલ્લાં કેટલાંય સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યાં હતાં તે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ત્યારે સૌ કોઇને પ્રશ્ન થતો હશે કે આખરે આ પરિણામ જોવાનું કઇ રીતે. તો તમને જણાવી દઇએ કે, એ માટે તમારે આ બોર્ડની વેબસાઈટ gseb.org ઓપન કરવાની રહેશે. પરિણામ જાણવા માટે ઉમેદવારોએ પોતાનો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે. જો કે પરિણામ જાહેર થતાની સાથે જ વેબસાઇટ ઓપન થવામાં સમસ્યા સર્જાઇ રહી છે.
ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે ત્યારે સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં ગુજરાત બૉર્ડનું ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ આવ્યું છે જે ગયા વર્ષે 71.34 ટકા હતું. આ વર્ષે 85.78 % સાથે રાજકોટ રાજ્યભરમાં અવ્વલ આવ્યો છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે.
ગયા વર્ષે કોરોના મહામારીને કારણે ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા આવ્યું છે. રાજ્યની 64 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. કુલ 1.08 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 61 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું આવ્યું છે. 196 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 3303 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો હતો. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા છે જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યુ છે.