ગુજરાતમાં હાલ થોડા દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારના રાતના 12 વાગ્યા સુધીમાં કુલ 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવાામન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં શુક્રવારના રાત્રિના 12 વાગ્યા સુધીમાં એટલે કે કુલ 18 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના ઉમરગામમા 6 ઇંચ, પારડીમાં 5.8 ઇંચ, વાપીમાં 4.72, કપરાડામાં 4 ઇંચ, નવસારીના ગણદેવીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, ધરમપુર, નર્મદાના તિલકવાડા, તાપીના વ્યારામાં ત્રણ ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે.
આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 17 સપ્ટેમ્બરે, અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તો આણંદમાંપણ વરસાદ થવાની શક્યતા છે. જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. તો ભારે વરસાદ થવાની શક્યતા છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા આજે 17મીના રોજ તમામ શાળા કોલેજ આઈટીઆઈ બંધ રાખવા જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરી જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં કલેક્ટરે રજાની જાહેરાત કરી છે. લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરી છે.
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ટ્વિટ કરી જણાવ્યું કે, જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવતા 17મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળા કોલેજ આઈ.ટી.આઈ બંધ રાખવામાં આવી છે. જ્યારે શિક્ષકો ઓનલાઈન ક્લાસ ચાલુ રાખી શકે છે. જ્યારે ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા ટ્વિટ કરી જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વલસાડ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા માટે શિક્ષકોને પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે.