અમદાવાદ ઇન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી એન્યુલ કોન્ફરન્સ યોજી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સ પ્લાન્ટની 34મી એન્યુઅલ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈએ પોતાના ઉદબોધનમાં અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કના રોલ વિશે વાત કરી હતી. તેમણે અંગદાન સાથે સંકળાયેલી વિવિધ કાયદાકીય બાબતોનો વિગતે ઉલ્લેખ કર્યો હતો.
અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા કાયદાકીય પાસાઓ અને ઐતિહાસિક ઘટનાઓ, નૈતિક બાબતો, ગુનાઈત પ્રવૃત્તિઓ અને તેને રોકવાના ઉપાયો સહિત કેટલાક ગંભીર સામાજિક મુદ્દાઓ પરત્વે જાગૃતિની જરૂરિયાત બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે અંગદાન બાબતે પ્રવર્તતી જાતિગત અસમાનતા, દેશમાં વિદેશી નાગરિકોને અંગદાન, અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની હાલની સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિતોનું માર્ગદર્શન કર્યું હતું.
આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંગદાન ક્ષેત્રે કામ કરતા લોકોને બિરદાવતા કહ્યું હતું કે, આપણી જાત ત્યજી દઈ બીજા માટે ઉપયોગી થવાની માનસિકતા સરાહનીય છે. આપણી સંસ્કૃતિ અને ધાર્મિકતામાં પણ આ વિશે ઉલ્લેખ થયેલ છે. રાજ્ય સરકાર અંગદાન ક્ષેત્રે તમામ પ્રકારનો સહયોગ આપવા ખાતરી આપી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અંગદાન ક્ષેત્રે પ્રવર્તતી જાતિગત અસમાનતા, તેના કારણો, અંગદાનમાં સ્ત્રીઓની ભૂમિકા, સમાજમાં અંગદાનમાં જાતિગત સમાનતા માટે જાગૃતિ અંગે વાત કરી હતી.