તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે BAPS સંસ્થાના પ્રમુખ પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંસ્થાના 650થી વધુ સંતો અને દીક્ષાર્થીના માતા-પિતા તેમજ કુટુંબીજનોની હાજરીમાં દિવ્ય પાર્ષદી દિક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 2 ડૉકટર, 4 અનુસ્નાતક, 11 એન્જીનીયર, 7 સાયન્સ ગ્રેજ્યુએટ અને 4 અન્ય ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરનાર યુવકો સહિત કુલ 29 સુશિક્ષિત નવયુવાનોએ પ.પૂ.મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી હતી.
વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો, ઘરેણાઓ પહેરીને સજ્જ થયા હોય, એવો અતિશય આનંદ માતા-પિતા અને તમામ કુટુંબીજનોના મુખ પર દેખાઇ રહ્યો હતો. દિક્ષા મહોત્સવનો શુભારંભ સવારે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. આ મહાપૂજા વિધિમાં સર્વે સાધકો તેમના પિતાશ્રી સાથે સંમિલિત થયા હતા. મુખ્ય દિક્ષાવિધિની શરૂઆતમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે સાધકોને યજ્ઞોપવિત ધારણ કરાવી. પૂ.સદગુરુ સંતોએ નવદિક્ષિત પાર્ષદોને ક્રમશઃ કંઠી, માળા, પાઘ અને ગાતરીયુ ધારણ કરાવ્યા. ત્યારબાદ મહંતસ્વામી મહારાજે પ્રત્યેક દીક્ષાર્થીને ગુરુમંત્ર આપી કૃપા આશિષ પાઠવ્યા હતા.
દીક્ષા મહોત્સવની મુખ્યસભામાં દીક્ષાર્થી યુવાનોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે વરિષ્ઠ અગ્રેસર મહિલાઓ દ્વારા તેઓના માતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મહંતસ્વામી મહારાજે કહ્યું કે, ‘બધુ આપવું સહેલું છે, પણ દીકરા આપવા ઘણું અઘરું છે. જેમણે દીકરા આપ્યા છે તે સર્વે માતાપિતાનો ખૂબ ખૂબ આભાર. સર્વે પાર્ષદો સાધુતાના માર્ગે આગળ વધે તે આશીર્વાદ છે.
સાધુની દીક્ષા લેનારા આ યુવાન સંતો માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્ર ચાલે છે. જ્યાં તેઓ સેવા, શિક્ષણ અને સંયમના પાઠ શીખે છે. આ સંતો સત્સંગ દ્વારા માનવકલ્યાણનું કાર્ય કરી શકે તે માટે તાલીમકેન્દ્રમાં અધ્યાપક સંતો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
તાલીમાર્થી સંતો સનાતન ધર્મના શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક તલસ્પર્શી અભ્યાસની સાથે સાથે મેનેજમેન્ટનાં પાઠો પણ શીખે છે. અધ્યાત્મ સાધનાની સાથે સાથે આ યુવાન સંતો સદાચાર અને વ્યસનમુક્તિ જેવા અનેક પ્રકારનાં સામાજિક સેવાઓના કાર્યમાં પણ જોડાતા હોય છે. આમ, સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં જેનું અનેરું મહત્વ છે એ ત્યાગાશ્રમની જીવંતતાના દર્શન આજના દીક્ષા સમારોહમાં સૌને થયા હતા.