વિજય દશમીનો તહેવાર પર રાજકોટમાં સવારથી જ ફરસાણની દુકાનોમાં ગાંઠિયા-જલેબી અને ફાફડા લેવા માટે પડાપડી કરી હતી. તેમજ મીઠાઈનું પણ ધૂમ વેચામ થઈ રહ્યું છે. આજે એક જ દિવસમાં રાજકોટવાસીઓ 2 કરોડના ગાંઠિયા જલેબીની લહેજત માણી છે. તેમજ સાટા, બરફી, ટોપરાપાક સહિતની મીઠાઈનું પણ વેચાણ 3 કરોડની આસપાસ થયું છે.
આ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રે આ વર્ષે દોઢ ગણું વેચાણ થયું છે. આજે એક જ દિવસમાં 1600 કાર અને 1000 બાઇકનું વેચાણ થયું છે. બીજી તરફ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તો ચાંદી ચાંદી છે. ગત વર્ષે દશેરાના તહેવારની દૃષ્ટિએ આ વર્ષના દશેરાના તહેવારમાં લોકોમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવામાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજે ધૂમ ખરીદી નીકળી છે. લોકોએ અગાઉથી જ બુકિંગ કરી લીધા હતા. સૌથી વધુ ખરીદી ફ્રીઝ અને વોશિંગ મશીનની થઈ છે. રાજકોટમાં દશેરાએ 2 હજાર ગેજેટનું વેચાણ થયું છે. જોકે આ ખરીદી દિવાળી સુધી ચાલુ રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
રાજકોટમાં મોંઘીદાટ કારની વાત કરીએ તો આજે એક જ દિવસમાં 70 લાખથી વધુ કિંમતની બે ઓડી કાર વેચાઈ છે. તેમજ નવરાત્રિ દરમિયાન તેનું વેચાણ 7નું થયું છે. તેમજ 60 લાખથી વધુ કિંમતીની 5 મર્સિડીઝ કારનું આજે એક જ દિવસમાં વેચાણ થયું છે. જ્યારે નવરાત્રિ દરમિયાન મર્સિડીઝ કારના વેચાણની સંખ્યા 12 છે. આ ઉપરાંત 5થી 50 લાખ સુધીની 1600 કારનું વેચાણ થયું છે. જેમાં ટાટા મોટર્સની જ વાત કરીએ તો બન્ને ડિલર ભેગા થઈ એક જ દિવસની અંદર 225થી વધુ ફોરવ્હિલનું વેચાણ થયું છે. હાલ ટાટા મોટર્સમાં કારમાં 2થી 3 મહિનાનું વેઈટિંગ છે.
આજે દશેરાના પાવન પર્વે શુભ મુહૂર્તમાં લોકો બાઇક લેવા પણ બાઇકના શો-રૂમમાં ઉમટ્યા છે. આજે ઓટોમોબાઈલ શો-રૂમના માલિકોના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં 1000થી વધુ બાઇકવેચાય તેવો અંદાજ છે. બાઇકના વેચાણમાં પણ આજે ઘણો વધારો જોવા મળ્યો છે.
રિઅલ એસ્ટેટમાં નવરાત્રિથી જ તેજી દેખાઈ રહી છે. સૌથી વધુ ખરીદી અને બુકિંગ કોમર્શિયલ પ્રોજેક્ટમાં છે. નવા એકમો શરૂ થતાં અને ચાલુ વેપાર ઉદ્યોગ અને પેઢીની જગ્યા વધારવામાં આવી રહી છે. રૂ.100 કરોડથી વધુ રકમના વેપાર આજે દશેરાના દિવસે થયો છે.