હળવદ ખાતે મીઠાંના કારખાનાની દીવાલ ધરાશાયી
12નાં મોત અને 30 જેટલાં શ્રમિકો દટાયા હોવાની આશંકા
JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ
મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જો કે, તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રભુ પાર્થના કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને 4 લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.