રેસ્ટોરન્ટનું નામ સોમ બાબુલનાથ ભગવાનના દિવસ સોમવાર પર જ રાખ્યું છે
શ્રાવણ મેનુમાં ૨૩ ડિશિસ છે
ટ્રેડિશનલ ડિશિસની સાથે-સાથે આજના સમયને ધ્યાનમાં રાખીને વીગન ઑપ્શન્સ પણ તૈયાર કર્યા છે
મુંબઈમાં શ્રાવણ મહિનામાં બાબુલનાથમાં જેટલી ભીડ રહે છે એટલી જ ભીડ એની સામે આવેલી સોમ રેસ્ટોરાંમાં રહે છે, કારણ કે સોમ ૨૦૦૫માં શરૂ થયું અને એના એક જ વર્ષમાં એટલે કે ૨૦૦૬માં એમણે ફરાળી મેનુ શરૂ કર્યું. એ વિશે વાત કરતાં એનાં માલિક પિન્કી ચંદન દીક્ષિત કહે છે, ‘અમારી રેસ્ટોરન્ટનું નામ સોમ બાબુલનાથ ભગવાનના દિવસ સોમવાર પર જ અમે રાખ્યું છે. એટલે સોમવાર અને શ્રાવણ બન્ને અમારા માટે ખૂબ મહત્ત્વના છે. શરૂઆતમાં એટલે કે ૨૦૦૬થી જે શરૂઆત થઈ એમાં અમે બેચાર વસ્તુ જ રાખી હતી પણ પછી ફ્રેન્ડ્સ અને પેટ્રન્સે અમને સજેસ્ટ કર્યું કે અમે અમારું આ મેનુ વિસ્તૃત કરી શકીએ તો સારું. ધીમે-ધીમે એ અમે વધારતાં ગયાં અને આજની તારીખે અમારા શ્રાવણ મેનુમાં ૨૩ ડિશિસ છે. ટ્રેડિશનલ ડિશિસની સાથે-સાથે અમે આજના સમયને ધ્યાનમાં રાખીને વીગન ઑપ્શન્સ પણ તૈયાર કર્યા છે.
મોટા ભાગના લોકો શ્રાવણમાં એકટાણું જ કરે છે તો અમે અમારી વાનગીઓ એવી રાખી છે કે એમને ફાઇબર્સ અને ન્યુટ્રિશન બધું પૂરતી માત્રામાં મળે અને એની સાથે-સાથે એમનું પેટ પણ ચોક્કસ ભરાઈ જાય જેથી આખા દિવસનો ઉપવાસ એમનો સારો જાય.’ સોમની ૨૩ જુદી-જુદી વાનગીઓમાં ફરાળી સ્મૂધી, સોમના કંદના ચિલ્લા, ફરાળી પાનકી, ફરાળી હાંડવો, ફરાળી સેવપૂરી ખૂબ જ અલગ અને ઇન્ટરેસ્ટિંગ ડિશિસ કહી શકાય; કારણ કે બહાર એ ભાગ્યે જ મળશે. આ સિવાય ફરાળી ઊંધિયું અને રાજગરાની પૂરી એમની હૉટ સેલિંગ ડીશ છે. આ વર્ષે એમણે સામાની ફિરની કોકોનટના દૂધમાં બનાવવાનો પ્રયોગ કર્યો છે અને કુટ્ટુને ગુજરાતી રૂપ આપીને એનાં થેપલાં બનાવ્યાં છે જેને એ કોળાના શાક સાથે સર્વ કરે છે. સોમના કંદના ચિલ્લા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત પર્પલ યામમાંથી બનાવવામાં આવે છે. જો તમને ઉપવાસમાં એનર્જી લો લાગતી હોય તો એમનો બનાના અને ડેટનો મિલ્કશેક, જે એ લોકો આમન્ડ મિલ્કમાં બનાવે છે એ ટ્રાય જરૂર કરી શકો છો.
ફરાળી મિસળ : સપ્રે ઍન્ડ સન્સ, ગોરેગામ
વ્રતોમાં જો તમને ક્યાંય કશું ખાવાનું ન મળે તો કોઈ પણ ટ્રેડિશનલ મહારાષ્ટ્રિયન રેસ્ટોરન્ટમાં તો ચોક્કસ મળી રહેશે. મોટા ભાગની જાણીતી મહારાષ્ટ્રિયન જગ્યાઓએ બીજું કંઈ નહીં તો સાબુદાણા વડાં કે ખીચડી તો મળી જ જાય. સપ્રે ઍન્ડ સન્સ છેલ્લાં ૫૧ વર્ષથી ગોરેગામના લોકોને ફરાળી મેનુ ખવડાવે છે; જેમાં એમની ફરાળી પૅટીસ, ફરાળી થાળીપીઠ અને સાબુદાણા ખીચડી ઘણી પૉપ્યુલર છે. ફરાળી મિસળ તરીકે તેઓ શિંગદાણાનું ઉસળ સાબુદાણા ખીચડી પર રેડે અને એના પર બટાટાનું તળેલું છીણ અને કોપરું છાંટે અને એની સાથે ફરાળી ચટણી આપીને સર્વ કરે છે. જો સાબુદાણા ખીચડી ખાઈને કંટાળ્યા હોય તો ચોક્કસ આ મિસળ ટ્રાય કરો.
રાજગરાની પૂરી અને શાક : ફરાળી એક્સપ્રેસ, ઑનલાઇન ડિલિવરી
આ એક બેઝિક વાનગી છે જે દરેક ઉપવાસીને પેટ ભર્યાનો સંતોષ આપે છે અને એની સાથે-સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. પરંતુ જે જાણકાર છે એ સમજે છે કે બહાર દરેક આઉટલેટ પર લોકોને રાજગરાની પૂરી બનાવતા નથી આવડતી હોતી. જો તમને પોચી અને તેલભરી રાજગરાની પૂરી ન ભાવતી હોય તો ફરાળી એક્સપ્રેસની પૂરી તમારા માટે બેસ્ટ છે; કારણ કે એ એકદમ ક્રિસ્પી, મસાલાવાળી અને વગર તેલની સરસ સૂકી લાગે એવી હોય છે. આમ તો દહીં સાથે પણ એનું કૉમ્બિનેશન પર્ફેક્ટ છે પરંતુ એની સાથે આવતું શાક તમારા ટેસ્ટ બડ્સને ચટપટું ખાવાનો સંતોષ આપી શકે. આ સિવાય ફરાળી એક્સપ્રેસની કોકોનટ કચોરી, ફરાળી ભેળ અને સાબુદાણા વડાં પણ ખૂબ સારી ક્વૉલિટીનાં આવે છે; કારણ કે આ એક ઘરઘરાઉ કિચનમાં બનીને તમારા ઘેર ફૂડ ડિલિવરી ઍપના માધ્યમથી આવે છે. એમની કોકોનટ કચોરી પણ એવી મીઠી નથી હોતી કે મીઠાશથી મોં ભાંગી જાય, ઊલટાનું ચટપટી હોય છે
મખાનાની ખીર : વ્રતમ, વાશી
ઉપવાસમાં એનર્જી અને પોષણ બન્ને જળવાઈ રહે એવી વાનગી તરીકે મખાનાની ખીરને માન આપી શકાય. મખાના અત્યંત પૌષ્ટિક હોય છે. કમળ કાકડીને ફોડીને બનાવવામાં આવતા મખાના ફાસ્ટિંગ માટે બેસ્ટ છે, જેની ખીર એક પ્રાચીન રેસિપી છે જે રેસ્ટોરન્ટ સેટ-અપમાં મળવી અઘરી છે. ગયા વર્ષે જ કોવિડ પછી જ સ્પેશ્યલ વ્રત માટેના મેનુ સાથે અને વ્રતમ જેવા સુંદર નામ સાથે વાશીમાં આ રેસ્ટોરન્ટ ખૂલી છે જ્યાં સાબુદાણા પૉપકૉર્ન એટલે કે મિની સાબુદાણા વડાં અને ઉપવાસ કટલેટ મળે છે જે બન્ને એના ટેસ્ટ અને ક્રિસ્પીનેસને કારણે હૉટ સેલિંગ છે. આ સિવાય શિંગોડાનો શીરો, ઉપવાસ થાળીપીઠ, રાજગરાના ઢોસા, શકરકંદી ચાટ જેવી નવીન વાનગીઓ પણ ઘણી પૉપ્યુલર છે.