શિયાળામાં આપણે એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેનાથી શરીરને ગરમાવો મળે છે. સૂકામેવા શરીરને ગરમાવો આપવાની સાથે-સાથે શરીરને મિનરલ્સ અને ફાઈબર પણ પૂરાં પાડે છે. ક્યારેક આપણે તેને પલાળીને ખાઈએ છીએ, તો ક્યારેક સૂકામેવા સીધા જ ખાઈએ છીએ. ઘણા લોકો સૂકામેવામાંથી સ્વાદિષ્ટ વ્યંજનો પણ બનાવે છે.
જો તમે સૂકામેવામાંથી કોઈ વ્યંજન બનાવતા હોવ તો તેને છોલવામાં અને સમારવામાં બહુ સમય લાગે છે. બદામ, અખરોટ, મગફળી, નારિયેળ વગેરે નટ્સને છોલવામાં બહુ સમય લાગે છે અને થાક પણ લાગી જાય છે.
એટલે જ ઘણા લોકો તો સૂકામેવાને છોલ્યા વગર જ સીધા સમારી લે છે, પરંતુ હવે આમ કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારા માટે લાવ્યા છીએ સૂકામેવા ફટાફટ છોલવાની સરળ ટિપ્સ, જે તમારા માટે બહુ ઉપયોગી રહેશે.
વેલણ રહેશે બહુ ઉપયોગી
જો તમને સીંગદાણા ફોલવામાં બહુ વધારે સમય લાગતો હોય તો, તમે વેલણનો ઉપયોગ કરી શકો છો. કહેવાય છે કે, વેલણથી સીંગદાણાનાં ફોતરાં અને અખરોટનાં શેલ સરળતાથી છોલી શકાય છે. વેલણની મદદથી માત્ર અખરોટ જ નહીં નારિયેળને પણ સરળતાથી તોડી શકો છો. આ માટે પહેલાં તો સૂકામેવાને 2-3 મિનિટ સુધી ગેસ પર શેકો અને પછી તેના પર વેલણ મારો, તેની છાલ સરળતાથી નીકળી જશે.
ગરમ પાણીનો ઉપયોગ કરો
તમે સૂકામેવા છોલવા માટે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. આ ટિપ અપનાવવા માટે એક બાઉલમાં ગરમ પાણી લો. હવે તેમાં 3-4 કલાક માટે બદામ જેવા સૂકામેવા પલાળી રાખો. ત્યારબાદ બાઉલને બે મિનિટ માટે ઓવનમાં બેક કરો. હવે હળવા હાથે તેને હાથથી મસળો અને છાલ ઉતારી દો. આમ કરવામાં વધારે સમય નહીં લાગે અને સરળતાથી સાફ થઈ જશે.
છરી કે કટરનો ઉપયોગ કરો
સૂકામેવા છોલવા માટે તમે છરી કે કટરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સામાન્ય છરીની જગ્યાએ ધારવાળી છરીનો ઉપયોગ કરવો જોઈએ, કારણકે સૂકામેવા બહુ નાના હોય છે અને તેનાથી તમારું કામ સરળ બનશે. છરીની અણીથી સૂકામેવાની છાલ ઉતારી લો.
સૂકામેવા સમારવાની હેક
સૂકામેવાને ચપ્પાથી સમારવાની જગ્યાએ મિક્સરમાં પીસીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. આમ કરવાથી તમારો સમય તો બચશે જ, સાથે-સાથે સૂકા મેવા ઝીણા પણ થઈ જશે. આ માટે તમારે ખાસ કઈં કરવું નહીં પડે, બસ સૂકામેવાની છાલ ઉતારી લો અને મિક્સરમાં પીસી લો. તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.