ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ હોય છે
અહીયાં મળતી એક આઇટમ એવી છે જે કદાચ જ તમે ટ્રાય કરી હોય
ઓનલાઈન પણ ઑર્ડર કરી શકો છો.
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે.
ગૂગલ પર તમે સર્ચ કરો ‘બેસ્ટ છોલે સમોસા ઇન મુંબઈ’ એટલે સૌથી પહેલું નામ આવે ગુરુકૃપા (Gurukripa)નું. ખાવાના શોખીન ગુજરાતીઓ માટે સાયનના આ રેસ્ટોરન્ટનું નામ નવું નથી, પરંતુ અહીયાં મળતી એક આઇટમ એવી છે જે કદાચ જ તમે ટ્રાય કરી હોય. એ આઇટમ છે મિક્સ ભજિયાં.
વરસદાની મોસમ છે, વરસાદ પડે કે ન પડે કંઇક ઝાપટવા માટેનો માહોલ તો બનેલો જ હોય છે. તમે સાયનમાં હો અને તમારા પેટમાં રહેલા દેવી-દેવતાઓ તમને પેટ પૂજાની આજ્ઞા કરે તો અચૂક ગુરુકૃપા પહોંચી જજો અને આ વખતે છોલે સમોસા ઉપરાંત મિક્સ ભજિયાંનું ટોકન પણ સાથે લઈ જ લેજો. અહીંયા મિક્સ ભજિયાં સાથે ચટણી અને કાંદા સાથે તમને છોલે પણ મળશે જે ખરેખર એક સરપ્રાઈઝિંગ ફેક્ટર છે.
મિક્સ ભજિયાંની પ્લેટમાં હોય છે બટેટાં, મરચાં, મેથી અને મગની દાળના ભજિયાં. ચટણી અને કાંદા તો ભજિયાંની પ્લેટના કાયમી સાથી છે પણ અહીં તમારી પાસે છોલેનો વિકલ્પ પણ છે જે ભજિયાંના બાઇટને એક અલગ સ્વાદ આપે છે.
જો તમે ત્યાં પહેલી વાર જ જતાં હો તો તમારે ખૂબ જ ધીરજ રાખવી પડશે. પહેલાં એક નાની લાઇનમાં ઊભા રહી તમારે ટોકન લેવું પડશે અને ત્યાર બાદ ફરી બીજી નાની લાઇનમાં ઊભા રહેશો ત્યારે જઈને તમને આ સ્વાદનો ભોગ હાથ લાગશે અહીં છોલે પેટીસ અને દાલ પકવાન પણ મળે છે, તે પણ ટ્રાય કરવા જેવા તો ખરાં જ. જો તમે લાઇનમાં ઊભા રહેવાની જફા ખેડવા માગતા ન હો તો તમે આ તમામ વાનગીઓ ઓનલાઈન પણ ઑર્ડર કરી શકો છો.