અમેરિકામાં ઢોંસાનું બદલાયું નામ
ભારત કરતા ત્રણ ગણી કિંમતે વેચાય છે ઢોંસા
મેંદુવડાને “ડંક્ડ ડોનટ ડિલાઈટ” નામ આપવામાં આવ્યું
તમે દુનિયાના કોઈપણ ખૂણે જાવ પરંતુ થોડા દિવસ બાદ તમને દેશી ખાવાનું યાદ આવી જ જાય છે. બેલેન્સ્ડ મસાલા અને સ્વાદિષ્ટ વાનગીઓ યાદ આવવા લાગે છે. તમારી આ ક્રેવિંગને શાંત કરવા માટે વિદેશોમાં પણ ભારતીય ભોજન પીરસવામાં આવે છે. આ ભોજનનું નામ સાંભળીને દિમાગ ચકરાવે ચડી જાય છે. આ જ પ્રકારે વિદેશમાં એક રેસ્ટોરન્ટમાં સાઉથ ઈન્ડિયન વાનગીને અજીબોગરીબ નામ આપ્યું છે અને ત્રણથી ચાર ગણા ભાવે વેચી રહ્યા છે.
અમેરિકામાં આવેલા ભારતીય થીમના રેસ્ટોરન્ટના મેનૂને લઈને ઓનલાઈન ચર્ચા કરવામાં આવી રહી છે. રેસ્ટોરન્ટના મેનૂમાં સાઉથ ઈન્ડિયન ડીશના નામ બદલીને અલગ રીતે રજૂ કરવામાં આવતા તે નામ યાદ રાખવા મુશ્કેલ થઈ ગયા છે, સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ટ્વિટર પર આ પોસ્ટને 20,000થી વધુ લાઈક્સ મળી છે અને 2,515થી વધુ વાર રિટ્વિટ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર લોકો એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે, ભારતીય વ્યંજનોના નામ શા માટે બદલી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. મેંદુવડાને “ડંક્ડ ડોનટ ડિલાઈટ” નામ આપવામાં આવ્યું છે, જે સાંભારમાં ડીપ કરવામાં આવ્યું છે. આ વાનગીની કિંમત $16.49 રાખવામાં આવી છે. પ્લેઈન ઢોસાને “નેકડ ક્રેપ” નામ આપવામાં આવ્યું છે. મસાલા ઢોસાને “સ્મેશ્ડ પોટેટો ક્રેપ” નામ આપવામાં આવ્યું છે.
ડીશની વિગતવાર માહિતી અનુસાર ‘ક્રિસ્પ રાઈસને લેન્ટીલ સૂપ અને નારિયેળની ચટની સાથે પીરસવું’. અન્ય એક વાનગીને ‘ચીઝી મસાલા ક્રેપ’ નામ આપવામાં આવ્યું છે.આ બાબતે એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટ કરી છે કે, સમગ્ર વિશ્વમાં પિત્ઝાને પિત્ઝા કહેવામાં આવે છે, તો ઢોસાને ઢોસા કેમ કહેવામાં આવતા નથી.
અન્ય એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટ કરી છે કે, આ ભારતીય વાનગીઓને એ રીતે નામ આપવામાં આવ્યા છે, જેથી અમેરિકનો આ વાનગીના નામને સમજી શકે.સાઉથ ઈન્ડિયન વાનગી મસાલાથી ભરપૂર હોય છે. સમગ્ર દેશમાં સાઉથ ઈન્ડિયન પસંદ કરવામાં આવે છે. કોઈપણ જગ્યાએ પ્લેન ઢોસાની કિંમત રૂ.50-60થી શરૂ થાય છે. સૌથી સ્વાદિષ્ટ ઢોસા રૂ.250-300 સુધીમાં આવી છે. અમેરિકામાં આ ઢોસાને નેક્ડ ક્રેપ કહીને રૂ.1,000માં વેચવામાં આવે છે.