અમદાવાદમાં બ્રિટિશ રાજથી આજે પણ ફેમસ છે “ચાય કા દુશ્મન”
બેકારીમાં મળતા ટોસનું નામ આપવામાંમ આવ્યું છે ચાય કા દુશ્મન
ચાનો સાથી કહેવતો ટોસ્ટને જ આવુ નામ કેમ અપાયું તેનું કારણ છે રસપ્રદ
અમદાવાદ જાવ છો અને જો તમે ચાઇ કા દુશ્મનમાં વેરાયટી ટેસ્ટ કરવા નથી ગયા તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. અમદાવાદ ત્રણ દરવાજાથી તમે સીધા જાઓ એટલે ભઠિયાર ગલી આવે. ભઠિયાર ગલી પાસે તમે કોઈને પણ બિસ્કિટ ગલીનું પૂછો એટલે એ તમને દેખાડી દે. આ બિસ્કિટ ગલી એ મ્યુનિસિપાલટીએ આપેલું નામ નથી, લોકોએ પાડેલું નામ છે. ઍક્ચ્યુઅલી આ ગલીમાં હુસેની બેકરી છે. લગભગ બસ્સો વર્ષથી એ ચાલે છે.
હુસેની બેકરીની સકસેસને જોઈને ધીમેધીમે ત્યાં બીજી બેકરીઓવાળા પણ આવ્યાં અને સમય જતાં આખી ગલીમાં બેકરીવાળાઓ જ થઈ ગયા એટલે ગલીનું નામ પડી ગયું બિસ્કિટ ગલી. મજાની વાત એ છે કે બિસ્કિટ ગલીમાં અનેક બેકરી એવી છે જે સો-સવાસો વર્ષ જૂની છે પણ આપણે વાત કરવાની છે હુસેની બેકરીની.બિસ્કિટ ગલીમાં આવેલી હુસેની બેકરીની વરાઇટી માટે એવું કહેવાય છે કે એ બ્રિટિશ રાજમાં પણ બહુ પૉપ્યુલર હતી અને સ્થાનિક અંગ્રેજો પણ સવારના નાસ્તામાં એ ખાતા. અત્યારે તો આ બેકરી હુસેનીભાઈની ત્રીજી પેઢી ચલાવે છે.
હુસેની બેકરીમાં મળતાં અફલાતૂન બિસ્કિટ, કાજુ બિસ્કિટ અને રોગની ટોસ્ટની જબરદસ્ત ડિમાન્ડ રહે છે. અહીંયા મળતો ટોસ્ટ બે ઇંચ જાડો અને સાડા ત્રણ ઇંચ જેટલો પહોળો છે. આ ટોસ્ટને જ ‘ચાય કા દુશ્મન’ નામ મળ્યું છે.
ટોસ્ટ પર એક આખો કપ ચા રેડી દો, બધી ચા આ ટોસ્ટ શોષી લેશે. પ્લેટમાં એક ટીપું ચા રહેવા નહીં દે અને મિત્રો, એ જ સાચી રીત છે આ ટોસ્ટ ખાવાની. ટોસ્ટ પર તમે ચા રેડો એટલે ચા બધી ટોસ્ટમાં અને ટોસ્ટ એકદમ સૉફ્ટમાં. તમારે દાંતનો ઉપયોગ પણ નહીં કરવાનો, સડસડાટ ગળાની નીચે. જોકે આ પ્રયોગ મેં હોટેલ પર પાછા આવીને કર્યો હતો પણ હુસેનીમાં મેં અફલાતૂન અને કાજુ બિસ્કિટ ટ્રાય કર્યાં તો ગરમાગરમ આવેલા પફનો પણ ટેસ્ટ કર્યો.
પફની વાત પહેલાં કરીએ. આ પફ તમે કેચપ કે સૉસ વિના લુખ્ખાં પણ ખાઈ શકો. બહારનું પડ એવું નરમ કે ગળે સહેજ પણ અટકે નહીં. પહેલાંના સમયમાં બટર પેપર આવતાં, એ બટર પેપરની જે થિકનેસ હતી એટલી પાતળી થિકનેસ આ પફના પડની હતી. અફલાતૂન બિસ્કિટમાં ડ્રાયફ્રૂટ્સ હોય છે તો કાજુ બિસ્કિટ્સમાં કાજુ ભરપૂર વાપરવામાં આવે છે. બન્ને બિસ્કિટની ગળાશ એવી કે સહેજ પણ મોઢું ભાંગે નહીં. આ બિસ્કિટ્સ ખાવાની એક વિશિષ્ટ સ્ટાઇલ છે. એ મોળા દૂધ સાથે ખાવાનાં. બિસ્કિટની
મીઠાશ દૂધમાં એવી એકરસ થઈ જાય કે દૂધમાં ખાંડ નાખી ન હોય એવું લાગે જ નહીં.
આ સિવાય પણ હુસેની બેકરીમાં અનેક વરાઇટીમાં બિસ્કિટ્સ મળે છે. મેં આ બે બિસ્કિટ, પફ અને ટોસ્ટ ટ્રાય કર્યાં. તમે બીજું કંઈ ટ્રાય કરો તો મને જાણ કરજો