આપણે ત્યાં હાથથી જમવાનું ચલણ છે
ઉત્તર ભારતમાં ખાતી વખતે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે
જમણા હાથથી ખાવાનું કહેવામાં આવે છે
ભારતીય વાનગીઓ વિશ્વમાં સૌથી લિજ્જતદાર વાનગીઓ પૈકીની છે. ભારતીય મસાલા આખી દુનિયામાં વખણાય છે. આ સાથે જ ખાવાનું બનાવવાની ભારતીય પદ્ધતિ પણ અન્ય દેશો કરતા અલગ છે.
પશ્ચિમ જગત કાંટા ચમચીથી ખાવાનું પસંદ કરે છે, ત્યારે આપણે ત્યાં હાથથી જમવાનું ચલણ છે. પહેલાં આ પદ્ધતિની ઘણી ટીકા થતી હતી. હાથથી ખાવાથી ચેપ લાગવાનું જોખમ રહે છે તેવું કહેવાતું હતું. પરંતુ હવે હાથથી ખાવ એટલે ભોજનનો સ્વાદ વધી જાય છે, તેવું ઘણા અભ્યાસોમાં સ્પષ્ટ થઈ ગયું છે.
ન્યૂયોર્કની સ્ટીવન્સ યુનિવર્સિટીના અધ્યયન અંતર્ગત આ પ્રયોગ લગભગ 50 લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેનારા પૈકીના અડધા લોકોને હાથથી વાનગી ખાવાની હતી અને અડધા લોકોને તે ચમચી વડે ખાવાનું હતું. આ અધ્યયનમાં ફલિત થયું કે, જે લોકો હાથથી જમ્યા હતા તેમને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. જ્યારે અન્ય લોકોને તે ખાવાનું સામાન્ય લાગ્યું હતું.
ભારતમાં હાથથી ખાવાનું ચલણ છે. જોકે, દેશના જુદા જુદા ભાગોમાં ઘણા જુદા જુદા નિયમો છે. ઉત્તર ભારતમાં ખાતી વખતે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં આખી હથેળી સાથે ખાવું યોગ્ય માનવામાં આવતું નથી. બીજી તરફ દક્ષિણમાં હથેળી અને આંગળીઓ બંનેનો ઉપયોગ સામાન્ય છે. આ સિવાય જમણા હાથથી ખાવાનું કહેવામાં આવે છે. ડાબો હાથ અશુદ્ધ હોવાનું માનવામાં છે. આવુ ચલણ આખા દેશમાં છે. પરંપરાગત ખોરાક સિવાય પ્રવાહી, દહીં, ખીર કે આઈસ્ક્રીમ જેવી ખૂબ ઓછી વસ્તુઓ ચમચી વડે ખવાય છે.
આ અભ્યાસના પરિણામો પણ મળતા મળતા આવ્યા હતા. જે લોકોએ હાથથી ડોનટ્સ ખાધા તેમને તે વધુ ભાવ્યા હતા. ચમચીથી ખાનાર લોકોને તે સામાન્ય લાગ્યા હતા, કેટલાક ખરાબ સ્વાદની ફરીયાદ કરી હતી. જે લોકોએ હાથથી ખાધું તેઓ પોતાની ભૂખનું સાચું અનુમાન લગાવી શક્યા હતા. પરિણામે તેઓ યોગ્ય પ્રમાણમાં ખોરાક લઈ શક્યા હતા.
આવો જ એક અન્ય પ્રયોગ પણ કરાયો હતો. જેમાં 145 લોકો સામેલ હતા. આ લોકોને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ જૂથ ફિટ રહી શકે તે માટે ખોરાક પર કંટ્રોલ કરવા કહેવામાં આવ્યું હતું. બીજા જૂથને કંઈપણ ખાવાની મંજૂરી આપવામાં આવી હતી. બધા લોકોને પ્લાસ્ટિકના કપમાં અનેક ડોનટ્સ આપવામાં આવ્યા હતા. તેમાંના કેટલાકને હાથથી તો કેટલાકને ચમચીથી ડોનટ ખાવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે જ સંશોધન સાથે જોડાયેલા લોકોએ ડોનટના સ્વાદ અને ટેક્સચર જેવી બાબતો પર કોમેન્ટ કરવાનું પણ જણાવાયું હતું.
દક્ષિણ ભારતમાં કેળાના પાન પર જમવામાં આવે છે. આજે પણ ત્યાં કેટલાક ઘરો અને રેસ્ટોરંટમાં આ વસ્તુ સામાન્ય છે. કેળાના પાનમાં પોલિફેનોલ્સ હોય છે. તે પ્રાકૃતિક એન્ટિ-ઓક્સિડેન્ટ છે. પોલિફેનોલ્સ અનેક રોગો સામે રક્ષણ આપે છે. કેળાના પાંદડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો ખાત્મો બોલાવે છે. પ્લાસ્ટિક કે સ્ટીલની સરખામણીએ કેળાના પાંદડા પર ખાવાથી રાસાયણિક તત્વ આપણા શરીરમાં જતા નથી.