કાર્બાઇડથી પાકેલા ફળોની અસર પાચન તંત્ર પર પડે છે
ગર્ભવતી મહિલાઓએ આ ફળનું સેવન ટાળવું જોઈએ
ફળને ચાર-પાંચ કલાક પાણીમાં રાખો પછી સેવન કરો
ઉનાળાની ગરમીમાં ઠંડા પીણાં પીવાનું મન થતું હોય છે, તેમાં પણ જ્યુસ પહેલી પસંદગી હોય છે. ઉનાળામાં બજારમાં અલગ-અલગ પ્રકારના જ્યુસ મળતા હોય છે. આ જ્યુસ બહારથી ચમકતા અને અંદરથી કાચા ફળોમાંથી બનાવવામાં આવે છે. કૃત્રિમ રીતે પકાવવામાં આવેલાં ફળો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લાંબા સમય સુધી આ ફળો ખાવાથી કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ, આંતરડામાં અલ્સર જેવી અનેક બીમારીનો ભોગ બની શકાય છે.દિલ્લીની શાદીપુર આરકેએલસી મેટ્રો હોસ્પિટલના પલ્મનોલોજીસ્ટ ડો. રાજેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે, કુત્રિમ રીતે પકાવવામાં આવેલાં ફળો ખાવાથી શરીરના અલગ-અલગ અંગોને અસર થાય છે. ઘણા લોકોને ફેફસાનાં રોગ થવાની શક્યતા રહે છે. જેના પ્રાથમિક લક્ષણો શ્વાસમાં તકલીફ અને શરદી થવી છે. આ સાથે જ ધમનીઓમાં ઓક્સિજન ના પહોંચવાંને કારણે કાર્ડિયાક અરેસ્ટ પણ આવી શકે છે.
કાર્બાઈડથી પકાવવામાં આવેલાં ફળો ખાવાથી પાચનતંત્રમાં પણ તકલીફ થાય છે. આ પેટની અંદરની પેશીઓને નુકસાન પહોંચાડે છે. આંતરડામાં પણ સમસ્યા શરૂ થાય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આ પ્રકારનાં ફળો ખાય તો તેને પેપ્ટાઈડ અલ્સર થઈ શકે છે અને આંતરડા સડી શકે છે.ડોક્ટરો કહે છે કે, ગર્ભવતી મહિલાઓએ કુત્રિમ રીતે પકાવવામાં આવેલાં ફળો ખાવાનું ટાળવું જોઈએ. આ ફળોથી ફાયદો થવાને બદલે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આટલું જ નહીં આવનાર બાળકના સ્વાસ્થ્ય પર અસર પડે છે. નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ થવાની સંભાવના છે. આ ઉપરાંત પાચન તંત્રમાં ગડબડ થઇ શકે છે.કાર્બાઇડ અથવા એથોફોનથી પાકેલા ફળોથી યાદશક્તિ ઓછી થાય છે. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કાર્બાઈડમાં રહેલું એસિટિલિન ગેસ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરનું કારણ બની શકે છે. જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે. આ ફળો ખાવાથી સ્કિઝોફ્રેનિયાથી પણ પીડાઈ શકો છો.
ઝારખંડની રાજધાની રાંચીની હોસ્પિટલમાં ડાયેટિશિયન મમતા કુમારી જણાવે છે કે, જે ફળોને સમય પહેલા પકાવવામાં આવે છે તે ફળોને ના ખાવવાં જોઈએ. આપણે બધી આ નુકસાન વિશે જાણીએ છીએ આમ છતાં પણ આ પ્રકારનાં ફ્રૂટનું સેવન કરીએ છીએ. આ સ્થિતિમાં ફળને ધોઈને જ ખાવા જોઈએ. શક્ય હોય તો ફળને ચાર-પાંચ કલાક પાણીમાં રાખવા જોઈએ જેથી તેમાં રહેલું કેમિકલ દૂર થઇ જાય.ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી રાંચીના સ્ટેટ ફૂડ એનાલિસ્ટ ચતુર્ભુજ મીણા કહે છે કે, કાર્બાઇડ પર પહેલા જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઇ કાર્બાઇડથી ફળો પકાવે છે તો તેમાં સજાની પણ જોગવાઈ છે. આજકાલ ફળ પકાવવા માટે એથોફોન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર, 10 કિલો કેરીને પકાવવા માટે 0.5 ટકાથી વધુ ઈથેફોનનો ઉપયોગ થવો જોઈએ નહીં. 3 ગ્રામની એક કોથળી છે જેમાં 20% ઇથેફોન હોય છે. વેપારીઓ પણ આ ગાઈડલાઈનનું પાલન કરતા નથી. 10 કિલો કેરીને પકવવા માટે 9 ગ્રામ ઇથેફોનનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.