હવે ડોકનો દુખાવો અને શરીર અકડાવવું સામાન્ય બની ગયું છે
ઓફિસમાં નિરંતર કામ કરવું જોખમી છે
ઘણાં લોકો ગળાની જડતાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે
કોરોનાકાળમાં મોબાઈલનો ઉપયોગ અને ઓફિસના કામ માટે કોમ્પ્યુટરનો વપરાશનો સમય વધ્યો હતો. આપણે આખો દિવસ મોબાઇલ અને કમ્પ્યુટર પર માથું નમાવીને કામ કરતાં રહીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આની તમારા સ્વાસ્થ્ય પર કેવી આડઅસર પડી શકે છે? જો આપણે આ જ રીતે ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીએ તો ડોક અને પીઠ ખૂંધ ખાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ તેનું નામ ‘ટેક નેક‘ રાખ્યું છે. આ સ્થિતિમાં આપણી કરોડરજ્જુના હાડકાંએ ઝુકાવનો સામનો કરવો પડે છે. સ્પાઇન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યારે આપણે ડોકને 60 ડિગ્રી આગળ નમાવીએ છીએ ત્યારે કરોડરજ્જુ પર 27 કિલો વજન મૂકીએ છીએ.
ઑસ્ટ્રેલિયામાં પુખ્ત વયના લોકો પર થયેલા સંશોધન મુજબ 42 ટકા પુખ્ત વયના લોકો ડોકના દુખાવાથી પીડાતા હતા. તો ઘણાં લોકો ગળાની જડતાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા. 36 ટકા લોકોને માથાનો દુખાવો હતો અને 25 ટકા લોકોને માઈગ્રેનની બીમારી હતી. લગભગ 1/3 ઓસ્ટ્રેલિયન પુખ્ત વયના લોકોએ કહ્યું કે, તે દર કલાકે 5 થી 30 વખત તેમના ફોનનો ઉપયોગ કરે છે. 10 માંથી 1 વ્યક્તિએ સ્વીકાર્યું કે તે આ ક્રિયા 40 વખત કરે છે. નિષ્ણાતોએ તેમને દર 30 થી 60 મિનિટમાં તેમની જગ્યાએથી ઉભા થવા અને આસપાસ ચાલવાનું કહ્યું. પરંતુ યુવાનોએ સ્વીકાર્યું કે તેમણે આ સલાહને ધ્યાનમાં લીધી નથી. આશ્ચર્યની વાત એ છે કે વર્ક ફ્રોમ હોમ કરતા 41 ટકા લોકો દર કલાકે બ્રેક લેતા હતા.