ખાલી પ્રદુષણ નહિ લાઈફસ્ટાઇલને કારણે પણ મનુષ્યની ઉમર ઘટી રહી છે
ખોરાકની જેમ ઊંઘ પણ જરુરી છે; ઓછી ઊંઘ ની સ્વાસ્થ્ય પર પડે છે અસર
સ્મોકિંગ છોડનાર વ્યક્તિની ઉમરમાં થાય છે વધારો
અત્યારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે. સાથેજ લોકોની જીવ જીવવાની શૈલી પણ બદલાઈ ગઈ છે. જેની અસર માનવ જીવન પર થવા પામી છે. ખાસ કરીને મનુષ્યની ઉમર આ બધા કારણોને લઇ 5 વર્ષ જેટલી ઘટાની ગઈ છે.તાજેતરમા જ એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ એટ ધ યુનિવર્સિટી ઓફ શિકાગોના રીપોર્ટથી બધા જ લોકો ચોંકી ગયા છે. આપણી ઉંમર ફક્ત પ્રદૂષણને કારણે જ નહીં પરંતુ લાઇફસ્ટાઇલને કારણે પણ ઘટી રહી છે. આ સિવાય કુપોષણથી પણ ઉંમર ઘટી શકે છે.
આ રિપોર્ટ અનુસાર, ખરાબ ખાવાની આદતથી જીવન 1.8 વર્ષ અને ધૂમ્રપાનથી આયુષ્ય ઘટી રહ્યું છે. એક અભ્યાસ અનુસાર, જે લોકોએ 35 વર્ષની ઉંમરે ધૂમ્રપાન છોડ્યું તેમની ઉંમરમાં 8.5 વર્ષનો વધારો થયો. તે જ સમયે, 60 વર્ષની વયે આ આદત છોડનારાઓની ઉંમરમાં 3 વર્ષનો વધારો થયો છે. આજકાલ દરેક પાસે સમયનો અભાવ છે. સમયના અભાવને કારણે આપણે પ્રિઝર્વ કે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ. જેની શરીરના પાચનતંત્ર પર અસર થાય છે. જો પાચનતંત્ર સારું ન હોય તો ઘણી બીમારીઓ ઘેરી લે છે, જેના કારણે ઉંમર પણ ઘટવા લાગે છે.
જેમ શરીર માટે ખોરાક જરૂરી છે તેવી જ રીતે ઊંઘ પણ શરીર માટે જરૂરી છે. 6 કલાકથી ઓછી ઊંઘ તમારા જીવનના વર્ષો 15% સુધી ઘટાડી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જનરલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો 6 કલાકથી ઓછી ઊંઘ લે છે. તેઓમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાની સંભાવના 83% વધી જાય છે. આ સાથે જ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં કુપોષણની સમસ્યા છે. જેના કારણે ઉંમર 1.8 વર્ષ ઘટી રહી છે. 2021માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક RTIનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતમાં 33 લાખ બાળકો કુપોષિત છે. તે જ સમયે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખબર પડી હતી કે, લગભગ 89% 6 થી 23 મહિનાના બાળકોને નાની ઉંમરે પૂરતો ખોરાક મળતો નથી. તો 87.3% બાળકોને માતાનું દૂધ મળતું નથી.
ઘણા અભ્યાસોમાં પણ આ સાબિત થયું છે કે, જો તમે કસરત, વૉકિંગ, યોગ અથવા કોઈપણ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા તો તમે તમારા જીવનના દિવસો ઘટાડી રહ્યા છો.નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, કસરત કરવાથી જીવન 30-35% વધે છે. આ સાથે બીપી, શુગર, હૃદય રોગ, કેન્સર, ડિપ્રેશન જેવી બીમારીઓ પણ દૂર રહે છે. દરરોજ માત્ર 15 મિનિટની કસરત જીવનને 3 વર્ષ વધારી શકે છે.
વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021ના રિપોર્ટ અનુસાર, ભારતમાં લોકોની ઉંમર 70 વર્ષ સુધી છે. સ્ત્રીઓ પુરુષો કરતાં 3 વર્ષ વધુ જીવે છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2020 રિપોર્ટમાં વિશ્વમાં અપેક્ષિત આયુષ્ય માટે ભારત117માં ક્રમે હતું. ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 70.8 અને પુરુષોની 69.5 હતી.
તમારા લાંબા આયુષ્ય માટે તમારા શરીરને સમજવું ખૂબ જ જરૂરી છે. આ માટે શ્રેષ્ઠ એ છે કે સૂર્ય ઉગતાની સાથે જ જાગવું અને સૂર્યાસ્ત સમયે સૂવું. આપણી પાસે શરીર ઘડિયાળ છે જેને સર્કેડિયન રિધમ કહેવાય છે. તે સૂર્ય અનુસાર કાર્ય કરે છે. એટલા માટે આળસ છોડીને દરેક કામ યોગ્ય સમયે કરવું જરૂરી છે. શરીરને બને તેટલું એક્ટિવ રાખો. ધુમ્રપાન, આલ્કોહોલ અને ફાસ્ટ ફૂડથી તો બિલકુલ દૂર જ રહો.