ભારતીય સ્ત્રીઓનો સાડી પ્રેમ કોઈનાથી છૂપો નથી, જોકે સાડી લાવીને ફૉલ લગાવવાની ઝંઝટ રહે જ છે. શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે સાડીમાં ફૉલ કેમ લગાવવામાં આવે છે? એનો ઉપયોગ શું છે? સાડીમાં ફૉલ ન લગાવીએ તો શું થાય? સાડીમાં ફૉલ લગાવવો ફરજિયાત છે? રેડીમેડ સાડીમાં કેમ અગાઉથી જ ફૉલ લગાવેલો નથી આવતો? તો ચાલો આ બધા સવાલોના જવાબો જાણવાનો પ્રયત્ન કરીએ.
આ વિશે માહિતી આપતાં પ્રસિદ્ધ સાડી ડ્રેપર અને સ્ટાઇલિસ્ટ તેમ જ ૨૪ કલાક નૉનસ્ટૉપ મૅરથૉનમાં સાડીની ૨૨૬ અલગ-અલગ ડ્રેપિંગ સ્ટાઇલનું પ્રદર્શન કરીને લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવનાર કલ્પના શાહ સાડીના ફૉલનું મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘સાડીની નીચે ફૉલ લગાવવાથી એ ખરાબ થતી નથી. ઘણી એવી સાડી હોય છે જેને બે-ત્રણ વાર ધોયા પછી એની નીચેની બૉર્ડર વળી જતી હો છે અથવા તો નીચેથી ધાગા નીકળવા લાગે છે. બીજું એ કે આપણે ચાલતા હોઈએ ત્યારે સાડીની બૉર્ડર નીચેથી ઘસાઈને ફાટી જતી હોય છે. એટલે આવું ન થાય એ માટે સાડીનો ફૉલ લગાવવો જરૂરી છે.’
સાડીની પાટલીઓને સેટ કરવામાં પણ ફૉલનો ઇમ્પોર્ટન્ટ રોલ છે એમ જણાવતાં કલ્પના શાહ કહે છે, ‘સાડીની નીચે ફૉલ લગાવો ત્યારે નીચેથી તમારી સાડીની બૉર્ડર થોડી ટાઇટ થઈ જાય, જેથી તમે જ્યારે પાટલીઓ વાળો તો એ સરખી રહે છે. જો તમારી સાડી ફૉલ વગરની હોય તો પાટલીઓ ખૂલી જાય છે. બીજું એ કે જો નીચે ફૉલ હોય તો કમરથી લઈને પગ સુધી પાટલીઓ એકદમ સીધી લાઇનમાં વળે. ત્રીજું એ કે ફૉલને કારણે તમારી સાડીને નીચેથી એક ગ્રિપ મળે છે એટલે તમે જ્યારે ચાલો ત્યારે એમ ન લાગે કે સાડી એકદમ ખુલ્લી-ખુલ્લી છે.’
સાડીમાં અગાઉથી જ ફૉલ કેમ લાગેલો હોતો નથી એ વિશે વાત કરતાં સાડી ડ્રેપ આર્ટિસ્ટ મયૂરી બિયાની કહે છે એક સાડીને આપણે વિવિધ સ્ટાઇલમાં પહેરી શકીએ. હવે દરેક સ્ટાઇલમાં સાડીમાં ફૉલ હોવો જરૂરી નથી. જેમ કે બંગાળી સ્ટાઇલની સાડીમાં પાટલીઓ વાળવાની જ હોતી નથી. નવવારી કે ધોતી સ્ટાઇલ સાડીમાં પાટલી વાળવાની હોય પણ એમાં પ્લીટ્સ નીચે ઝૂલતી રાખવાની નથી હોતી એટલે ફૉલની જરૂર હોતી નથી. ઘણી મહિલાઓને મશીનથી ચડાવેલા ફૉલને બદલે હાથેથી સિલાઈ કરીને ચડાવેલો ફૉલ પસંદ
હોય છે, કારણ કે એની સિલાઈ વધુ ટકે છે. કટિંગ વર્કવાળી સાડીમાં ફૉલ ચડાવવાની રીત અલગ હોય છે. ઉપરાંત બજારમાં ફૉલના ફૅબ્રિક પણ જુદા-જુદા હોય છે જેમ કે કૉટન, સૅટિન વગેરે. એટલે સાડીનો ફૉલ મહિલાઓ તેમની જરિયાતના હિસાબે લગાવે છે.
મયૂરી બિયાણી કહે છે, ‘સાડી માટે ફૉલ કઈ રીતે પસંદ કરવો અથવા એને કઈ રીતે લગાવવો એમાં પણ કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલાં તો ફૉલના કપડામાંથી એનો કલર જાય છે કે નહીં એ ચેક કરી લેવું જોઈએ. જો તમે ચેક કર્યા વગર ફૉલ ચડાવી દેશો તો પછી એક વૉશ બાદ એનો કલર સાડીને લાગી જશે. બીજું એ કે ફૉલની સિલાઈ જો તમે હાથેથી કરવાના હો તો એ વાતનું ધ્યાન રાખો કે એના ટાંકા ઝીણા-ઝીણા હોય. સાડીના બહારના ભાગમાં એ વધુ પડતા દેખાવા ન જોઈએ. ફૉલના ફૅબ્રિકની વાત કરીએ તો કૉટન સૌથી બેસ્ટ છે, કારણ કે કૉટન પર સિલાઈની ગ્રિપ સારી આવે છે. ફૉલનું કપડું જો સિલ્કી હશે તો સિલાઈ ઊખડી જશે. બીજું એ કે અન્ય ફૅબ્રિકની સરખામણીમાં કૉટન વધુ ટકાઉ હોય છે. સાથે જ કૉટન પર પાટલીની ઘડી સારી રીતે પડે છે.’