ફેશનેબલ માનુનીઓ ચુસ્ત ડેનિમ કે લેગિંગ છોડવા રાજી નથી
ઉનાળામાં ત્વચાને અનુકૂળ પોશાક પસંદ કરો.
સીઝનમાં હેન્ડલૂમ, ખાદી, મલમલ જેવા મટિરિયલ શ્રેષ્ઠ ગણાયછે
ભારતના મોટાભાગમાં ઉનાળો પોતાનો અસલ મિજાજ બતાવતો હોય એવો તાલ જોવા મળે છે. ૩૭, ૩૮, ૪૦, ૪૧ ડિગ્રી ગરમી તો સાવ સામાન્ય થઇ ગઇ છે. આવી સ્થિતિમાં કોની મજાલ છે કે સિન્થેટિક કે ટાઇટ કપડાં પહેરે. જે લોકો સીઝનને સમજ્યા વગર શિયાળા કે ચોમાસામાં પહેરવામાં આવતા પરિધાન પહેરવાનું જારી રાખે છે તેઓ ભારે અકળામણ અનુભવે છે. આમ છતાં ઘણી ફેશનેબલ માનુનીઓ તેમના ચુસ્ત ડેનિમ કે લેગિંગ છોડવા રાજી નથી થતી. પરંતુ આવી મહિલાઓને ફેશન ડિઝાઇનરો કહે છે કે ફેશન તેને જ કહેવાય જે તમને સુંદર દેખાડવા સાથે કમ્ફર્ટેબલ પણ રાખે. આવી સ્થિતિમાં તમારું સૌંદર્ય પણ ઝંખવાઇ જાય છે. બહેતર છે કે ઉનાળામાં તમારી ત્વચાને અનુકૂળ હોય તેવા પોશાક જ પહેરવા.
ગ્રીષ્મમાં હવાની અવરજવર થઇ શકે એવા ખુલતાં વસ્ત્રો પહેરવા જોઇએ. ચુસ્ત કપડાંને કારણે ત્વચા પર લાલ ચકામા ઉપસી આવવાની કે અળાઇઓ થવાની ભીતિ રહે છે. આ સીઝનમાં હેન્ડલૂમ, ખાદી, મલમલ જેવા મટિરિયલ શ્રેષ્ઠ ગણાય છે. તેમાંય ગુલાબી, આસમાની, ગ્રે, સફેદ, ક્રીમ, બદામી જેવા રંગો ત્વચાને ટાઢક આપે છે. આ પ્રકારના ફેબ્રિક અને કલરમાં ચેક્સવાળી કે આડા-ઊભા પટ્ટા-લાઇનિંગવાળી ડિઝાઇન ખૂબ જચે છે. તમે ચાહો તો તેમાં લોંગ સ્કર્ટ પહેરો કે ઢીંચણ સુધી આવતું વન પીસ, તે કમ્ફર્ટેબલ અને ફેશનેબલ લાગે છે.
કોલેજ કન્યાઓનું એક જૂથ કહે છે કે અમારી કોલેજમાં ચોક્કસ પ્રકારના વસ્ત્રો પહેરવાની મનાઇ છે. ખાસ કરીને મીની ડ્રેસીસ. ઉનાળામાં ટૂંકા ડ્રેસ બહુ કમ્ફર્ટેબલ લાગે. પરંતુ અમારી કોલેજમાં મીની ડ્રેસ પહેરવાની મનાઈ હોવાથી અમે સ્લીવલેસ ટોપ સાથે લોંગ સ્કર્ટ પહેરીએ છીએ. તેમાં અમને ફેશન કરવા સાથે સુવિધાનો અનુભવ પણ થાય છે.
આ સિવાય ચેક્સની ડિઝાઇનવાળા ઢીંચણ સુધીની લંબાઇ ધરાવતા સ્કર્ટસ કે વન પીસ પણ અમારા જૂથમાં માનીતા છે. આ બધા પોશાક સાથે સફેદ રંગના શૂઝ ખૂબ સુંદર અને સગવડદાયક લાગે છે. તેથી અમે બધા મોટાભાગે સફેદ પગરખાં જ પહેરીએ છીએ.
પાર્ટીમાં જતી યુવતીઓમાં જોકે મીની સ્કર્ટસ વધુ માનીતા છે.ઇવનિંગ પાર્ટીઝમાં આ સીઝનમાં પણ બ્લેક કલરના મીની સ્કર્ટ સાથે રેડ, ડાર્ક પિંક, બદામી જેવા કલરના સ્લીવલેસ ટોપ હોટ ફેવરિટ ગણાય છે. જ્યારે કેટલીક યુવતીઓ ટૂંકા બ્લેક્ સ્કર્ટ સાથે ઝાલરવાળી સ્લીવ્ઝ ધરાવતું વાઇટ ટોપ પહેરવાનું પસંદ કરે છે. આ ડ્રેસ સાથે બ્લેક અથવા વાઇટ પગરખાં ખૂબ જચે છે.