સાડી વગર ભારતીય નારીના સૌંદર્યની કલ્પના જ ન થાય
સાડી પહેરવાનો ટ્રેન્ડ ક્યારેય આઉટડેટેડ થવાનો નથી
સાડીશેપર તમારા સ્લિમ લુક માટે ડિઝાઇન કરવામાં આવેલું સ્ટ્રેચેબલ વસ્ત્ર છે
હિપ્સ અને કમર પર શેપમાં બૉડીને ટચ થાય એ રીતે ફિટિંગમાં પહેરેલી સાડીમાં મહિલાના ગ્લૅમરસ લુકને જોઈને તમને પણ ઈર્ષ્યા થતી હોય તો તમારા માટે ટ્રેડિશનલ પેટીકોટની જગ્યાએ સાડીશેપર બેસ્ટ ચૉઇસ છે
સાડી એવો અદ્ભુત ટ્રેડિશનલ પોશાક છે જેના વગર ભારતીય નારીના સૌંદર્યની કલ્પના જ ન થાય. આપણા દેશની સ્ત્રીઓ સાડીમાં શોભે છે એટલે જ મૉડર્ન કલ્ચરમાં પણ આ પરિધાને પોતાનું સ્થાન ગૌરવભેર જાળવી રાખ્યું છે. શુભ પ્રસંગો અને તહેવારોમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ ક્યારેય આઉટડેટેડ થવાનો નથી. ઇન ફૅક્ટ, હવે તો પાર્ટીમાં પણ સાડી પહેરવી ફૅશન ગણાય છે. સાડી સ્ત્રીઓની નબળાઈ છે એટલે જ તેઓ એકબીજાની ઈર્ષ્યા કરતી જોવા મળે છે. ઘણી વાર આ ઈર્ષ્યાનું કારણ માત્ર સાડી નહીં પણ એને પહેરનાર મહિલાનું ફિગર હોય છે. હિપ્સ અને કમર પર મસ્ત શેપમાં બૉડીને ટચ થાય એ રીતે પહેરેલી સાડીમાં મહિલાના ગ્લૅમરસ લુકનું કારણ છે સાડીશેપર.
સાડી શેપવેઅર શું છે? | સાડીશેપર તમારા સ્લિમ લુક માટે ડિઝાઇન કરવામાં આવેલું સ્ટ્રેચેબલ વસ્ત્ર છે એવી જાણકારી આપતાં ગોરેગામનાં ફૅશન ડિઝાઇનર પરિણી ગાલા કહે છે, ‘વેસ્ટર્ન ડ્રેસ નીચે આપણે બૉડી ટર્ક્સ પહેરીએ છીએ એવું જ આ આંતરવસ્ત્ર છે જે તમારા શરીરના કુદરતી આકારને શેપ આપે છે. એની લેન્ગ્થ ઍન્કલ સુધી અથવા પાયલ પહેરીએ છીએ ત્યાં સુધીની હોવી જોઈએ. એમાં નાડું નથી હોતું તેથી ટાઇટ બંધાઈ ગયું કે લૂઝ થઈ ગયું જેવી ઝંઝટ નથી. ઇલાસ્ટિક પણ ટકર્સ જેટલું ટાઇટ નથી હોતું. એમાં બ્રીધિંગ સ્પેસ છે તેથી પેટ પર કમ્ફર્ટેબલ લાગે છે. એને પહેરીને પલાંઠી વાળીને બેસી પણ શકો છો. હોઝિયરી, કૉટન અને લાયક્રા ફૅબ્રિકમાં અવેલેબલ આ વસ્ત્ર તમારા લોઅર બૉડીના ફિગરને મર્મેઇડ જેવો આકાર આપવા તેમ જ સાડી પહેર્યા બાદ લોકો તમારી પ્રસંશા કરે એ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. સાડીશેપરને તમે ફિગર-હગિંગ અન્ડરસ્કર્ટ પણ કહી શકો.’
તફાવત શું છે? | સ્ત્રીઓને હંમેશાં પાતળા દેખાવાનો શોખ હોય છે, પરંતુ સામાન્ય રીતે સાડી પહેર્યા બાદ હોય એના કરતાં વધુ જાડી લાગે છે એનું કારણ શું? સુતરાઉ કાપડના ટ્રેડિશનલ પેટીકોટ નીચેથી ફ્લેરવાળા એટલે કે ખૂલતા હોવાથી તમે હેલ્ધી દેખાઓ છો એમ જણાવતાં પરિણી કહે છે, ‘સ્ત્રીઓ સાડીમાં સુંદર દેખાય છે, કારણ કે એને બૉડી શૅપ એન્હાન્સ કરતાં આવડે છે. સાડી પહેર્યા બાદ તમે સેક્સી દેખાઓ એ રાઇટ વે ઑફ ડ્રેપિંગ કહેવાય. પેટીકોટ સાથે સાડી પહેરો છો ત્યારે સેક્સી લુક માટે ઘણી મહેનત કરવી પડે છે. સાડી પહેરતી વખતે કમર અને હિપ્સ પાસેથી એને ખેંચીને ટાઇટ કરવી પડે. જ્યારે શેપવેઅરમાં પહેલેથી ફિટિંગના કારણે ઑટોમેટિક શેપ બની જાય છે.
વેસ્ટ ટુ લોઅર હિપ્સ સુધી મર્મેઇડ જેવો શેપ અને નીચે અંગ્રેજી અક્ષર ‘એ’ આકારની લાઇન પર્ફેક્ટ શેપ કહેવાય. આમ બન્ને વસ્ત્રોમાં ખાસ્સો તફાવત છે. સાડીના ઓરિજિનલ લુકને ટ્વિસ્ટ કરીને ગ્લૅમરસ લુક જોઈતો હોય તો રેગ્યુલર પેટીકોટની જગ્યાએ સાડીશેપર પહેરવું જોઈએ. જોકે ડે-ટુડે લાઇફમાં એનો યુઝ કરવાની જરૂર નથી. એને પાર્ટી અને ફંક્શન્સ પૂરતું રાખવું. હવે લગ્નની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે ટૂ બી બ્રાઇડના કલેક્શનમાં સાડીશેપર મસ્ટ હોવું જોઈએ. બ્રાઇડના દરેક ફંક્શનમાં ટ્રેડિશનલ અટાયર નીચે સાડીશેપર પહેરવાથી લુક ચેન્જ થઈ જાય છે. તમારી સાડીનું ફૅબ્રિક ટ્રાન્સપરન્ટ હોય તો લાયક્રા મટીરિયલ બેસ્ટ રહેશે. સાડી નીચે પહેરવામાં આવતા જૂની સ્ટાઇલના પેટીકોટ અને લેટેસ્ટ સાડીશેપર વચ્ચેના તફાવતને જાણી લીધા બાદ અપગ્રેડેડ થશો તો તમે પણ હવે પછીની પાર્ટીમાં હિરોઇન જેવાં હૉટ લાગશો.’