Fashion Tips : ફાગણ એટલે ફૂલોની સીઝન. ફ્લોરલ ડ્રેસમાં માત્ર સાડી, સ્કર્ટ કે ફ્રૉકથી આગળ વધીને ટ્રેન્ડી અને સ્ટાઇલિશ વનપીસ ઑપ્શન્સની પ્રેરણા આ બૉલીવુડ-ઍક્ટ્રેસિસ પાસેથી લઈ શકાય એમ છે. વર્કિંગ વિમેન, પ્રેગ્નન્ટ લેડીઝ અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મધર્સ પણ ફ્લોરલ ટ્રાય કરી શકે છે
સમર સીઝન આવે એટલે સૌથી પહેલાં કોઈ આઉટફિટ આપણા માઇન્ડમાં આવે એ ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસ છે. આ એક એવો એવરગ્રીન ડ્રેસ છે જે કયારેય આઉટ ઑફ ફૅશન થવાનો નથી. ફ્લોરલ ડ્રેસ આમ ભલે જૂનો હોય, પણ સમયે-સમયે એની પૅટર્ન, પ્રિન્ટમાં બદલાવ આવતા રહે છે એટલે દર વખતે એ પહેરવામાં રિફ્રેશિંગ જ લાગે. ખાસ કરીને સમર સીઝનમાં ફ્લોરલ ડ્રેસ ઇમ્પોર્ટન્સ એકાએક વધી જાય છે, કારણ કે એ પહેરવામાં ખૂબ આરામદાયક હોય છે અને પાછા સ્ટાઇલિશ તો ખરા જ. ફ્લોરલ ડ્રેસ બધા જ બૉડી-ટાઇપ્સ પર સૂટ થઈ જાય સાથે અબોવ ની લેંગ્થથી લઈને ઍન્કલ લેંગ્થ સુધીની ડિફરન્ટ લેંગ્થમાં અવેલેબલ હોવાથી તમે તમારા કમ્ફર્ટના હિસાબે ચૂઝ કરી શકો. ગરમીમાં પરસેવો ખૂબ થાય છે એટલે કૉટન અથવા લિનન ફૅબ્રિકના બનેલા તેમ જ લાઇટ અને પેસ્ટલ કલરના ડ્રેસ પહેરવાનું પ્રીફર કરવું જોઈએ.
આ સેલિબ્રિટીઝ બનશે ફૅશન-ઇન્સ્પિરેશન
આજની યંગ ગર્લ્સ બૉલીવુડ-ઍક્ટ્રેસિસ પાસેથી ફૅશન-ઇન્સ્પિરેશન લેતી હોય છે. જો તમે પણ એમાંથી એક છો તો તમારે સમર સીઝનમાં આ અભિનેત્રીઓના ફ્લોરલ ડ્રેસ પર એક નજર ફેરવવી જોઈએ અને તેમના જેવાં નવાં ફૅશનેબલ આઉટફિટ ટ્રાય કરવાં જોઈએ. કૅટરિના કૈફે જે વાઇટ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે એ મિની શર્ટ ડ્રેસ છે, જેના પર ઑરેન્જ કલરના ફ્લાવર્સ અને ગ્રીન કલરના સ્લીવ્ઝની પ્રિન્ટ છે. ફુલ સ્લીવ્ઝનો કૉલરવાળો અપર થાઇ લેંગ્થ સુધીનો આ ડ્રેસ પહેરવામાં ખૂબ એલિગન્ટ લાગે. હિના ખાને જે રેડ ડ્રેસ પહેર્યો છે એ વી નેકવાળો મિની ડ્રેસ છે. વાઇટ ફ્લાવર્સની પ્રિન્ટવાળો આ ડ્રેસ સિમ્પલ છે, પણ એની જે પફવાળી લૉન્ગ સ્લીવ્ઝ છે એ ડ્રેસને વધુ સુંદર બનાવે છે.
આ બન્ને ટાઇપના ડ્રેસ પહેરવામાં એટલા કમ્ફર્ટેબલ છે કે તમે એને ડે ટુ ડે લાઇફમાં પહેરી શકો. ક્રિતી સૅનને જે ડ્રેસ પહેર્યો છે હોલ્ટર નેક વનપીસ છે. ગુલાબની પ્રિન્ટવાળા વાઇટ કલરના આ વનપીસની નેક પર થ્રીડી ગુલાબ અટેચ છે, જ્યારે એની જે સ્લીવ્ઝ છે એ કોલ્ડ શોલ્ડર સ્ટાઇલમાં છે. આ બન્ને વસ્તુ ડ્રેસને વધુ ઍટ્રૅક્ટિવ બનાવે છે. સુહાના ખાને રેડ રોઝની પ્રિન્ટવાળો વી નેકનો બ્લૅક સ્લીવલેસ ડ્રેસ પહેર્યો છે એને બૉડીકૉન ડ્રેસ કહેવાય જે શરીરથી એકદમ ચપોચપ હોય છે. જો તમને એવાં આઉટફિટ પહેરવાં હોય જેમાં બૉડીના કર્વસ દેખાય તો આ ટાઇપના ડ્રેસ તમે પહેરી શકો. આ બન્ને ટાઇપના ડ્રેસ દેખાવમાં બોલ્ડ હોય છે જે તમે પાર્ટી, ક્લબિંગ, ડિનર ડેટ જેવા સ્પેશ્યલ ઓકેઝન પર પહેરો તો જ સારા લાગે.
પ્રોફેશનલથી બ્રેસ્ટફીડિંગ મધર સુધી બધા માટે ઑપ્શન્સ છે
આજકાલ ડ્રેસ મહિલાઓની દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. એમાં પણ મોટા ભાગની મહિલાઓ સમરમાં ફ્લોરલ ડ્રેસ પહેરવાનું પસંદ કરતી હોય છે એટલે માર્કેટમાં તમારી જરૂરિયાતના હિસાબે જોઈએ એવા ફ્લોરલ ડ્રેસ મળી જશે એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર કવિતા સંઘવી કહે છે કે ‘વર્કિંગ વિમેન માટે ખાસ સાઇડમાં પૉકેટ હોય એવા ફ્લોરલ ડ્રેસ મળે છે, જેમાં આરામથી મોબાઇલ રહી જાય. ફ્લોરલ ડ્રેસમાં પણ તેઓ ફિટ ઍન્ડ ફ્લેર, એ લાઇન મેક્સી ડ્રેસ, શર્ટ ડ્રેસ કાફ લેંગ્થ અથવા ઍન્કલ લેંગ્થ સુધીના પહેરે તો સારું લાગે. સમર સીઝનમાં વેકેશન પર જવાનો પ્લાન મોટા ભાગના લોકો બનાવતા હોય છે. તો એવા સમયે ઑફ શોલ્ડર કે નૂડલ સ્ટ્રેપ ડ્રેસ પહેરી શકો છો, જેમાં તમારા શોલ્ડર ઓપન રહે. આવા ડ્રેસ જનરલી ડે ટુ ડે લાઇફમાં પહેરવામાં કમ્ફર્ટેબલ ન લાગે, પણ વેકેશનમાં જઈએ ત્યારે પહેરીએ તો નવો લુક આપે. આજકાલ તો આવા ડ્રેસ સાથે એક ઍડિશનલ શ્રગ પણ આવે છે એટલે વેકેશન પછી પણ જો તમારે આ ડ્રેસ પહેરવો હોય તો તમે શ્રગ સાથે આરામથી પહેરી શકો. ઇવન પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સી બાદ મહિલાઓ કમ્ફર્ટેબલી પહેરી શકે એવા ફ્લોરલ ડિઝાઇનના ડ્રેસ પણ આવે છે. પ્રેગ્નન્ટ મહિલાઓ માટે કમરના ભાગથી નાની-નાની પ્લીટ્સ હોય એવા ડ્રેસ આવે છે, જેથી તેમનો બેબી-બમ્પ આરામથી ઢંકાઈ જાય. તમે ફ્લોરલ ગાઉન પહેરીને મૅટરનિટી ફોટોશૂટ કરાવો તો પણ મસ્ત લાગે. બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવતી વખતે તકલીફ ન પડે એ માટે સાઇડમાં અથવા બ્રેસ્ટની નીચેની બાજુ ઝિપર હોય એવા ફલોરલ ડ્રેસ પણ આવે છે.’