જ્હોન અબ્રાહમ મલયાલમ ફિલ્મનો પ્રોડયૂસર બન્યો
જ્હોને ટ્વીટ કરી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી
સાઉથના બોલીવૂડ પર આક્રમણ સમયે જુદી ચાલ
છેલ્લા કેટલાય સમયથી સાઉથ સિનેમાના બોલીવુૂડ પર આક્રમણની વાતો ચર્ચાય છે. સાઉથની અનેક પ્રોડક્શન કંપનીઓ પાન ઇન્ડિયા ફિલ્મ બનાવી ભારતભરમાંથી કરોડો ઉસેડી રહી છે. આવા સમયે અભિનેતા અને પ્રોડયૂસર જ્હોન અબ્રાહમ જુદી ચાલ ચાલ્યો છે. તેણે મલયાલમ ભાષામાં ફિલ્મ બનાવી છે.
જ્હોને મલયાલમમાં માઈક નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ આગામી ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. જ્હોન જેએ એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. તેના બેનર હેઠળ બનેલી ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુ શિવપ્રસાદે કર્યું છે.
આયુષ્યમાન ખુરાના જે ફિલ્મથી લાઈમલાઈટમાં આવ્યો એ વિકી ડોનર ફિલ્મ પણ જ્હોન અબ્રાહમે જ પ્રોડયૂસ કરી હતી. તેણે અત્યાર સુધીમાં ૧૨ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હિંદી ઉપરાંત મરાઠીમાં પણ તેણે ફિલ્મો બનાવી છે.
તેની પ્રોડયૂસર તરીક જાણીતી અન્ય ફિલ્મોમાં પરમાણુ અને મદ્રાસ કેફેનો પણ સમાવેશ થાય છે. સાઉથના નિર્માતાઓ હિંદી ફિલ્મો બનાવે એ સિલસિલો દાયકાઓ જૂનો છે પરંતુ બહુ જુજ હિંદી નિર્માતાઓએ સાઉથની ઇંડસ્ટ્રીમાં પગરણ માંડયા છે. જોકે, આ બાબતમાં નિર્માતા બોની કપૂર અપવાદ છે. સ્વ. અભિનેત્રી શ્રીદેવીના પતિ અને જહ્નાનવી કપૂરના પિતા બોની કપૂરે તમિલમાં સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેમની ગણના સાઉથના એક ટોચના નિર્માતા તરીકે થાય છે.