- ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવ્યું
- આલિયા ભટ્ટ ગાંગુબાઈના રોલમાં જોવા મળશે
- કાઠિયાવાડના સામાન્ય પરિવાર સાથે જોડાયેલ છે ફિલ્મ
સૌથી વધુ રાહ જોવાઈ રહેલી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર આવી ગયું છે. માત્ર 40 મિનિટમાં 3 લાખથી વધારે લોકોએ ટ્રેલર જોઈ લીધું છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટના ભરપૂર પાવરફૂલ ડાયલોગ છે. આ ડાયલોગ સાંભળતાની સાથે મોઢામાંથી વાહ સરી પડે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે લીડ રોલમાં અજય દેવગણ પણ છે. ગઈ કાલે એક્ટરનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તે મેન્ટરના રોલમાં છે. અજય ફિલ્મમાં કરીમ લાલાનો રોલ પ્લે કરશે 25 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. લોકપ્રિય ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની ફિલ્મ સંપૂર્ણપણે સ્ત્રી કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એક મહિલા ડોનની કહાની છે. મહિલા પ્રધાન ફિલ્મની કહાની કાઠિયાવાડીના એક સામાન્ય પરિવારની છોકરીની આસપાસ ફરે છે.
હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’’પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. કહેવાય છે કે તેમના પતિએ માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધા હતા. ત્યારબાદ તેઓ વેશ્યાવૃત્તિમાં આવી ગયા હતા. આ દરમિયાન તેમણે મજબૂર યુવતીઓ માટે ઘણું જ સારું કામ કર્યું હતું.
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું શૂટિંગ મુંબઈ સ્થિત ફિલ્મસિટીમાં કરવામાં આવ્યું . આ ફિલ્મનું શૂટિંગ ત્રણ-ચાર દિવસ જેટલું જ બાકી હતું, જેમાં એક ગીત તથા નાનાકડો સીન શૂટ થવાનો હતો. મહારાષ્ટ્રમાં લૉકડાઉન થવાને લીધે શૂટિંગ અટકી પડ્યું હતું. તે પહેલાં ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટ સહિત ટીમના કેટલાંક મેમ્બર્સને કોરોના થયો હતો.
ગયા વર્ષે ગંગુબાઈના દત્તક પુત્ર બાબુજી રાવજી શાહે ઓથર હુસૈન ઝૈદી, સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટ પર કેસ કર્યો હતો. શાહનો આરોપ હતો કે જ્યારથી ફિલ્મના પોસ્ટર્સ તથા પ્રોમો આવ્યા છે, ત્યારથી માત્ર તેમને જ નહીં, પરંતુ પરિવાર તથા સંબંધીઓને પણ ‘વેશ્યાનો પરિવાર’ કહીને હેરાન કરે છે. બોમ્બે હાઇકોર્ટે ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યૂસર સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટને માનહાનિ કેસમાં રાહત આપી હતી. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ એવું કોઈ તથ્ય મળ્યું નથી કે જે સાબિત કરે કે આરોપ મૂકનાર ગંગુબાઈના પરિવારનો સભ્ય છે.