છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યો છે
છેલ્લા છ મહિનામાં બોલિવૂડમાં માત્ર એક પછી એક ફ્લોપ ફિલ્મોની જ યાદી છે.
બોલિવૂડ માટે આ ખરેખર શનિની પનોતિનો ગાળો સાબિત થયો
છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. કોવિડ દરમિયાન લોકડાઉનને કારણે બધી ફિલ્મો ભેરવાઇ ગઈ. થિયેટર બંધ થવાને કારણે કમાણી અટકી ગઈ. સુશાંત સિંહ રાજપૂતના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. જે બાદ દેશના દિગ્ગજ સ્ટાર્સ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. આર્યન ખાનની ધરપકડથી કિંગ ખાનને મોટો ઝટકો લાગ્યો હતો અને બાકીના સ્ટાર્સ પણ ચોંકી ગયા હતા. બોલિવૂડ માટે આ ખરેખર શનિની પનોતિનો ગાળો સાબિત થયો અને હજુ પણ લાગે છે કે આ પનોતિ ઉતરી નથી.
લોકડાઉન હટ્યું, કોરોનાનો ડર ઓછો થયો અને વસ્તુઓ સામાન્ય થઈ ગઈ પછી થિયેટર ખુલ્યા, ફિલ્મોનું શૂટિંગ અને રિલીઝ શરૂ થઈ, પરંતુ દર્શકો થિયેટરમાંથી ગાયબ થઈ ગયા. એકતરફ બોલિવૂડમાં સાઉથનો દબદબો હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ છેલ્લા છ મહિનામાં બોલિવૂડમાં માત્ર એક પછી એક ફ્લોપ ફિલ્મોની જ યાદી છે. આવું કેમ છે? બોલિવૂડનો જાદુ બોક્સ ઓફિસ પર કેમ ચાલી રહ્યો નથી? શું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પ્રાણ કહેવાય છે તે સ્ટાર પાવરનો અંત આવી રહ્યો છે? આ પ્રશ્નો પર બોલિવૂડના મોટા દિગ્ગજોએ કંઇક આ પ્રકારનું એનાલિસિસ કર્યું હતું.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું કહેવું છે કે, જ્યારે કોવિડનો તબક્કો આવ્યો ત્યારે આ બે વર્ષમાં ઘણા ફેરફારો થયા. ખાસ કરીને પ્રેક્ષકોના ટેસ્ટમાં જબરજસ્ત ફેરફાર આવ્યો છે. દર્શકોને વિશ્વ સિનેમામાં એક્સપોઝર મળ્યું છે. હવે તેની સરખામણી થાય એ સ્વભાવિક છે. પ્રેક્ષકોએ અહીં જે સ્ટાન્ડર્ડનું મનોરંજન પીરસવામાં આવતું હતું તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. લોકડાઉન પછી, કાશ્મીર ફાઇલ્સ, સૂર્યવંશી, ભૂલ-ભૂલૈયા-2, ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર, કેજીએફ, પુષ્પા જેવી ફિલ્મોએ અપેક્ષા કરતા વધુ સારો બિઝનેસ કર્યો છે. આથી એક વાત તો સ્પષ્ટ છે કે દર્શકો ફિલ્મો જોવા માંગે છે પરંતુ તમે તેમને ફિલ્મના નામ પર કંઈપણ આપી શકતા નથી.
તરણ આદર્શે કહ્યું કે, હું કહીશ કે હવે મસાલા ફિલ્મો બનાવવી વધુ મુશ્કેલ બની ગઈ છે. સાઉથની ફિલ્મો પર નજર કરીએ તો ત્યાં દિગ્દર્શકે જે મસાલો રજૂ કર્યો છે તે આપણી ફિલ્મોમાં ખૂટે છે. રાજામૌલીએ જે રીતે એનટીઆરનું પ્રાણી દ્રશ્ય રજૂ કર્યું છે, તેના હોલિવૂડ સુધી વખાણ થયા છે. મને કહો, અહીં એવી કઈ રજૂઆત કરવામાં આવી છે, જે યાદ રહે. આપણે એ જ ઘસાઇ ગયેલી કેસેટો જેવી વાર્તાઓ સાથે બેસી નહીં શકીએ. આપણે નવેસરથી નવા માહોલ માટે આઉટ ઓફ બોક્સ વિચારવાની જરૂર છે.
બોલિવૂડના દિગ્ગજ એક્ટર આમીરખાને જણાવ્યું કે, એવું નથી કે ફિલ્મો ચાલતી નથી. જો દર્શકોને ફિલ્મ ગમશે તો ચાલશે. પુષ્પા વિશે એવું સાંભળવામાં આવ્યું હતું કે એક કરોડની ઓપનિંગ ફિલ્મ હતી પરંતુ મૌખિક રીતે કહીએ તો ફિલ્મે ચમત્કાર કર્યો. મને લાગે છે કે કોવિડને કારણે ઓટીટી પર ફિલ્મો થોડી વહેલી આવવા લાગી છે. લોકો વિચારે છે કે હું થોડો સમય રહીશ તો ઘરે જોઈ લઈશ. જો કે મારી ફિલ્મો સાથે આવું નથી થતું, મારી ફિલ્મો છ મહિના સુધી ઓટીટી પર આવતી નથી.
ફિલ્મ ડિરેક્ટર અનીસ બઝમીનું કહેવું છે કે, મને લાગે છે કે તમામ મોટા લોકોએ એક પ્લેટફોર્મ પર આવવું પડશે અને ચર્ચા કરવી પડશે કે થિયેટરોમાં ફિલ્મો કેમ નથી ચાલી રહી. આજના યુગમાં બજેટ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જેના પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ ઉપરાંત, વાર્તા વિશે વિવેચનાત્મક હોવું જરૂરી છે. લોકોને વાર્તા પસંદ નથી આવી. આનું કારણ શું હોઈ શકે, આપણે તેના પર પણ કામ કરવાની જરૂર છે. ભૂલ ભૂલૈયા 2 પછી આશા જાગી છે. તેનાથી મને શ્રેષ્ઠ રીતે દર્શકોનું મનોરંજન કરવાની હિંમત મળી છે.
આ મુદ્દે કાશમીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી કહે છે કે, લોકો જેને બોલિવૂડ કહે છે, તે બોલિવૂડને દર્શકો શું ઇચ્છે છે તેનો ખ્યાલ નથી. તે પ્રેક્ષકો સંપૂર્ણપણે વિખેરાઈ ગયા છે. ઘણી વખત તેઓ વિચારવા લાગે છે કે દર્શકોને દેશભક્તિની ફિલ્મ જોઈએ છે, તો તે ચક્કરમાં તેઓ ઉટપટાંગ ફિલ્મ બનાવે છે. પરિવારના નામે એવો પરિવાર બતાવવામાં આવે છે, જે ક્યાંય જોવા મળતો નથી. વિદ્યાર્થી એવો બતાવે છે, જે લાગે જ નહીં કે તે વિદ્યાર્થી છે. કોરોના દરમિયાન, જ્યારે લોકોએ મૃત્યુને આટલી નજીકથી જોયું છે, ત્યારે તેમને વાસ્તવિકતા સાથે જોડાયેલી વસ્તુઓ ગમે છે. સમાજ અને દેશના મૂળભૂત સ્વભાવ સાથે મેળ ન ખાતી હોય તેવી ફિલ્મો ચલાવવી મુશ્કેલ છે. ચુનંદા વર્ગના મુંબઈના છોકરાઓ નાના શહેરોની સમસ્યાઓ વિશે શું જાણે છે? તેમને ફાંકો છે કે તેઓ પૈસા ખર્ચીને કોઈપણ ફિલ્મ ચલાવશે. હવે એ નહીં ચાલે, જ્યાં સુધી જમીન સાથે જોડાયેલી વાર્તા નહીં કહો ત્યાં સુધી ફિલ્મો નહીં ચાલે.
ધાકડના પ્રોડ્યુસર દીપક મુકુટેએ જણાવ્યું કે, બધું પ્લાનિંગ કર્યા પછી અમે ખૂબ જ ઉત્સાહથી ફિલ્મો બનાવીએ છીએ. જનતા શું જોવા માંગે છે તેની કોઈ ખાતરી આપી શકતું નથી. કોવિડ બાદ લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. લોકોએ તેમની પસંદગી બદલી છે, તેમને લાગે છે કે જે સામગ્રી ઓટીટી અને ટીવી પર ઘરે બેઠા ફિલ્મો મળી રહી છે, તો પછી તેના માટે હજારો રૂપિયા ખર્ચ કરીને સિનેમા હોલમાં શા માટે જવું. જનતાનું માનસ હવે સમજવું મુશ્કેલ બન્યું છે. જ્યારે જનતા ધાકડ જેવી સ્ત્રીલક્ષી એક્શન ફિલ્મ જોવા નથી આવી, ત્યારે તમે કંઈપણ વિશે ખાતરી કરી શકતા નથી. આગળ વધીને, અમે પ્રોડ્યુસર હવે તેમની નાડીને પકડવા માટે જમીની સ્તરે પર સંશોધન કરવાનું શરૂ કરી દેવું જોઇએ. તે સ્પષ્ટ છે કે ફિલ્મ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા દિગ્ગજો પણ સમજી રહ્યા છે કે બોલિવૂડને વર્તમાન ફોર્મ્યુલા દ્વારા આગળ લઈ જઈ શકાશે નહી. શમશેરા, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જેવી મોટા બજેટની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર પીટાઇ ગઈ ત્યારે સ્ટાર પાવર પર સવાલ એ ઊભો થયો કે શું પીઢ સ્ટાર્સ હવે પોતાના દમ પર ફિલ્મને હિટ બનાવવાની ક્ષમતા નથી ધરાવતા? મોટાભાગના નિષ્ણાતો આનો જવાબ હા માં આપે છે. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શ કહે છે કે તમને આશા છે કે સ્ટાર્સ આવશે, પછી ફિલ્મ હિટ થઈ જશે, એવું અત્યારે બિલકુલ નથી. શમશેરાની વાત કરીએ તો સ્ક્રિપ્ટિંગની બાબતમાં ખૂબ જ નબળું કામ થયું છે. જ્યારે તમારો આધાર નબળો છે ત્યારે તમે આટલી મોટી ઇમારત કેવી રીતે બનાવી શકો. હવે કન્ટેન્ટ જ સ્ટાર છે, હીરો હવે તમને ફિલ્મ હિટ નહીં કરાવી શકે. પ્રેક્ષકો હવે એક એવા હૂકની શોધમાં છે જે તેઓએ પહેલાં ક્યારેય જોયો નથી.
કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આનું અલગ કારણ આપે છે. તે કહે છે કે, બે વર્ષ સુધી, જ્યારે ફિલ્મો બંધ થઈ ગઈ, ત્યારે આ સ્ટાર્સ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ નાચ્યા અને ગાયા, રીલ બનાવી અને વીડિયો શેર કરવાનું શરૂ કર્યું, તો આ સ્ટાર્સ અને રીલ બનાવનારાઓમાં શું ફરક હતો. લોકોએ એટલું બધું જોયું છે કે આ સ્ટાર્સની કોઈ એક્સક્લુઝિવિટી રહી નથી. અગ્નિહોત્રીના કહેવા પ્રમાણે, પહેલા આવું નહોતું, જો આપણે અભિનેત્રીનો ડાન્સ જોવો હોય તો તે માત્ર ફિલ્મોમાં જ જોઈ શકાતો હતો. ડિમ્પલ કાપડિયાએ દરિયામાં બિકીની પહેરી છે, તેથી લોકો થિયેટર જોવા માટે જતા હતા, પરંતુ હવે જો તમે માલદીવમાં દરેક કલાકારને કપડાં ઉતારતા જોશો તો કોઈ થિયેટરમાં કેમ જશે. જ્યારે દર્શકોને વિશ્વ સિનેમાનો સંપર્ક મળ્યો, ત્યારે તેઓ સમજી ગયા કે સારો અભિનય શું છે અને ખરાબ અભિનય શું છે. ખરાબ એક્ટિંગના સ્ટાર્સ ખુલ્લા પડી ગયા છે.