- સુનીલ ગ્રોવરનું મુંબઈમાં થયું ઓપોરેશન
- હાર્ટમાં બ્લોકેજ હોવાથી સર્જરી કરવામાં આવી
- સુનીલ ગ્રોવરની તબિયત હાલ સુધારા પર
44 વર્ષીય કોમેડિયન તથા એક્ટર સુનીલ ગ્રોવરની તાજેતરમાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સુનીલ ગ્રોવરની તબિયત હાલમાં સુધારા પર છે. મળતી માહિતી મુજબ સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હતું અને તેથી જ સર્જરી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્જરી પહેલાં સુનીલ ગ્રોવરે પુણેમાં વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. સૂત્રોના મતે, હેલ્થ કન્ડિશન આવી હોવા છતાંય સુનીલે પહેલાં પુણેમાં શૂટિંગ કર્યું હતું. તેણે પ્રોફેશનલ એટીટ્યૂડ રાખીને પહેલાં પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું હતું અને ત્યારબાદ મુંબઈમાં સર્જરી કરાવી હતી. સુનીલ ગ્રોવરની મુંબઈની એશિયન હોસ્પિટલમાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.
ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, સુનીલ ગ્રોવર હવે સલામત છે અને તેની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે. સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરીના ન્યૂઝ વાઇરલ થતાં જ એક્ટ્રેસ સિમી ગરેવાલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. સિમીએ કહ્યું હતું, ‘મને આ જાણીને ઘણો જ આઘાત લાગ્યો કે સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ છે. જે વ્યક્તિ આપણને હસાવે છે અને આપણું મન ખુશીઓથી ભરી દે છ તે આજે આ સ્થિતિમાં છે. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. પ્રાર્થના કરું છું કે તે જલ્દીથી ઠીક થઈ જાય. તેની ટેલન્ટ અદ્દભૂત છે અને હું હંમેશાં તેની મોટી પ્રશંસક રહી છું.’
1977માં હરિયાણામાં જન્મેલા સુનીલ ગ્રોવરે પંજાબ યુનિવર્સિટીમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી લીધી છે. સુનીલે આરતી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરો મોહન છે. સુનીલ ગ્રોવરના કરિયરની વાત કરીએ તો તેણે સ્વર્ગીય કોમેડિયન જસપાલ ભટ્ટી સાથે ‘ફૂલ ટેન્શન’માં કામ કર્યું હતું. ત્યારબાદ સુનીલ વિવિધ શોમાં જોવા મળ્યો હતો. જોકે, સુનીલ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ના ગુત્થી તથા ‘ધ કપિલ શર્મા શો’ના ડૉ.ગુલાટીના રોલથી લોકપ્રિય થયો હતો. સુનીલે 1998માં ‘પ્યાર તો હોના હી થા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે 2019માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળ્યો હતો. સુનીલે વેબસિરીઝ ‘તાંડવ’ તથા ‘સનફ્લાવર’માં પણ કામ કર્યું છે.