સમગ્ર વિશ્વ અવકાશ ક્ષેત્રે એક ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું છે. આ ઈતિહાસ રશિયાએ રચ્યો છે, જેણે પૃથ્વી પર ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાને બદલે અંતરિક્ષમાં જ શૂટિંગ પૂરું કર્યું. ક્લિમ શિપેન્કોની ફિલ્મ ‘ધ ચેલેન્જ’ના કેટલાક દ્રશ્યો અવકાશમાં શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મનું ટ્રેલર રવિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં સ્પેસ સાથે જોડાયેલા કેટલાય દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. વિદેશી દર્શકોએ ટ્રેલરને લીલી ઝંડી આપી દીધી છે. એટલે કે તેને ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ક્લિમ શિફેન્કોની આ ફિલ્મ દ્વારા એક નવો રેકોર્ડ પણ સર્જાયો છે. અવકાશમાં સીન શૂટ કરનારી તે પ્રથમ ફિલ્મ બની છે. આ સાથે રશિયા અંતરિક્ષમાં શૂટિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે.
‘ધ ચેલેન્જ’ એ ટોમ ક્રૂઝની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો
આ ફિલ્મ એક મહિલા ડૉક્ટરની વાર્તા વર્ણવે છે જે એક અવકાશયાત્રીને બચાવવા ISS તરફ ઉડી જાય છે. જ્યારે અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે નાસાએ પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી. નાસાએ રશિયન અભિનેત્રી, ફિલ્મ નિર્માતા અને અવકાશયાત્રી એન્ટોન શ્કાપ્લેરોવના પ્રક્ષેપણના સમય વિશે માહિતી આપી હતી.
અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવાના મામલે ‘ધ ચેલેન્જ’એ ટોમ ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલ’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. એવું માનવામાં આવતું હતું કે તેમની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ અવકાશમાં શૂટ કરવામાં આવેલી પ્રથમ ફિલ્મ હશે, પરંતુ રિલીઝની તારીખો આગળ વધવાને કારણે તેમની ફિલ્મ આ બાબતમાં પાછળ રહી ગઈ હતી. ટોમ ક્રૂઝે 2020માં ‘મિશન ઈમ્પોસિબલ’ વિશે માહિતી આપી હતી. આ ફિલ્મની જાહેરાતના ચાર મહિના પછી ‘ધ ચેલેન્જ’ની જાહેરાત કરવામાં આવી હતી.
અવકાશમાં 12 દિવસ
અભિનેત્રીઓ યુલિયા પેરેસિલ્ડ અને ક્લિમ શિપેન્કો અવકાશમાં ફિલ્મના દ્રશ્યો પૂર્ણ કરવા અવકાશયાત્રી એન્ટોન શ્કાપ્લેરોવ સાથે ઓક્ટોબર 5 ના રોજ કઝાકિસ્તાનના બાયકોનુર કોસ્મોડ્રોમથી ISS માટે ઉડાન ભરી હતી. આ લોકોએ અંતરિક્ષમાં 12 દિવસ વિતાવ્યા હતા. 17 ઓક્ટોબરના રોજ, યુલિયા પેરેસિલ્ડ અને ક્લિમ શિપેન્કો પાછા ફર્યા.