સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’નું શૂટિંગ અચાનક થયું બંધ
કારણ જાણી તમે પણ ચોકી જશો
અભિનેતા શરીર પાત્ર સાથે ફિટ ન થતું હોવાથી દિગ્દર્શકનો ફેંસલો
લોકપ્રિય અભિનેતા પ્રભાસનું વજન વધી જતાં તેની ફિલ્મ સાલારનું શૂટિંગ અટકાવવું પડયું હતું. ફિલ્મના દિગ્દર્શકે પ્રભાસને પાત્ર અનુસાર યોગ્ય શેપમાં આવવા જણાવ્યું છે. આ ઘટનાક્રમને લીધે સાલારનું શૂટિંગ શિડયૂલ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. પ્રભાસની છેલ્લી ફિલ્મ રાધે શ્યામ બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકી ન હતી. હાલ તેની સાલાર ઉપરાંત પ્રોજેક્ટ કેનું શૂટિંગ ચાલી રહ્યું છે.
જોકે, એક અપડેટ અનુસાર શૂટિંગ દરમિયાન પ્રભાસનું સ્થૂળ શરીર પાત્રની મૂળ જરુરિયાત સાથે મેચ નથી થતું એમ ડિરેકટર પ્રશાંત નીલને લાગ્યું હતું. આથી તેમણે પ્રભાસને તે જ્યાં સુધી વજન ઘટાડી ફિટનેસ પાછી ના મેળવે ત્યાં સુધી તેના ભાગનું શૂટિંગ નહીં થાય એમ જણાવી દીધું હતું.
પ્રભાસની ફિલ્મ પ્રોજેક્ટ કેના શૂટિંગમાં પણ હાલમાં બાધા સર્જાઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદૂકોણની તબિયત લથડતાં પ્રભાસે જ શૂટિંગ અટકાવ્યું હતું. જોકે, બાદમાં ફિલ્મના સર્જકોએ દીપિકા સ્વસ્થ હોવાનો ખુલાસો કરતાં શૂટિંગ અટકવાનું રહસ્ય ઘેરાયું હતું. પ્રભાસ અને દીપિકા વચ્ચે સેટ પર અણબનાવ સર્જાયો હોવાના અહેવાલ પણ આવ્યા હતા.
સાઉથના સ્ટાર્સ હાલ લોકપ્રિયતાની રીતે ભલે બોલીવૂડ સ્ટાર્સ કરતાં આગળ હોય પરંતુ ફિટનેસના મામલે તેઓ પાછળ છે. તાજેતરમાં પુષ્પાના અભિનેતા અલ્લુ અર્જુનના પણ એકદમ સ્થૂળ શરીરના ફોટા વાયરલ થતાં તેને ભારે ટ્રોલ કરાયો હતો.