પુષ્પા 2ની સ્ટોરી થઈ લીક
બીજા ભાગમાં શ્રીવલ્લી નહીં હોયની ચાલી રહી છે ચર્ચા
ભારે ચર્ચાઓ બાદ નિર્માતાઓએ તોડ્યું મોન
પુષ્પા ફિલ્મના બીજા ભાગમાં હિરોઈન રશ્મિકા મંદાનાનાં કેરેક્ટર શ્રીવલ્લીનું મોત થશે તેવી અફવા ફેલાતાં સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વ્યથા અને આક્રોશ ઠાલવવા માંડયા હતા. વાત એટલી હદે વધી પડી હતી કે છેવટે મેકર્સ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે શ્રીવલ્લીનું પાત્ર ખત્મ થવાનું નથી. બીજા ભાગમાં પણ તેની મહત્વની ભૂમિકા રહેશે જ. દક્ષિણ ભારતમાં ફિલ્મો માટે, તેનાં પાત્રો માટે , તે ભજવનારા કલાકારો માટે લોકોની દિવાનગીનું એક અલગ જ સ્તર છે.
આ દરમિયાન એવી વાત વહેતી થઈ હતી કે જેમ કેજીએફ ટૂમાં હિરોઈનનું મોત દેખાડાયું છે તેવું જ પુષ્પા ટૂમાં બની શકે છે. શ્રીવલ્લીનું કેરેક્ટર મૃત્યુ પામે અને તેના શોક તથા ગુસ્સાને લીધે પુષ્પા વધુ આક્રમક બને તેવી વાર્તા આવી રહી છે. બીજા ભાગમાં રશ્મિકા નહીં હોય કે તેનો રોલ બહુ ટૂંકો હશે તે વાતે તેઓ અત્યારથી જ ગમગીન થઈ ગયા હતા. બીજા ભાગનું હજુ શૂટિંગ પણ ચાલુ નથી થયું અને તે મોટાભાગે આવતા ઉનાળામાં રિલીઝ થવાની છે.
છેવટે પુષ્પાના નિર્માતા વાય. રવિશંકરે ખુલાસો કર્યો છે કે આ બધી અફવાઓ છે. કોઈએ તેમાં માનવું નહીં. બીજા ભાગમાં પણ શ્રીવલ્લીનો પૂરેપૂરો રોલ હશે જ એ વાતની અમે ખાતરી આપીએ છીએ. ફિલ્મોના ઇતિહાસમાં પાત્રો સાથેનું આવું તાદાત્મ્ય નવાઈની વાત નથી. કહે છે કે શોલેમાં પણ જય એટલે કે અમિતાભ બચ્ચનના પાત્રના મોતથી ચાહકો ભારે નિરાશ થયા હતા અને તેમણે એન્ડ બદલવા તથા અમિતાભ તથા જયા ભાદુરીના પાત્રના મેરેજ કરાવી દેવાની માગણી થઈ હતી. જોકે, મેકર્સ પોતાના મૂળ અંતને વળગી રહ્યા હતા.