- સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન
- મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
- લહેરીની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી
બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા.
બપ્પી લહેરી ઇન્ડસ્ટ્રીમાં તેમના અલગ અવાજ અને સંગીત માટે જાણીતા હતા. 1975માં આવેલી ફિલ્મ ‘જખ્મી’થી તેમને ઓળખ મળી હતી. ભારતમાં પોપ સંગીત લાવવાનું શ્રેય બપ્પી લહેરીને જ અપાય છે.
ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમને છાતીમાં ઈન્ફેક્શન હતું, તેમનો પુત્ર અમેરિકામાં છે, તે આજે આવી રહ્યો છે, મૃત્યુ સમયે તેમની પત્ની, તેમની પુત્રી અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે હાજર હતા. સમાચાર એજન્સી પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બપ્પી લહેરીના મૃત્યુની માહિતી આપવામાં આવી છે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો અને લોકોમાં શોક છવાયો છે.
થોડી દિવસ પહેલા જ લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું, હવે બપ્પી લહેરી વિશે આવી રહેલા આ સમાચાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ઝટકાથી ઓછા નથી. હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, તેમની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી અને સોમવારે જ રજા આપવામાં આવી હતી. ડૉક્ટરનું કહેવું છે કે બપ્પી લાહિરીનું મૃત્યુ OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયા) નામની બીમારીને કારણે થયું છે.
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોકટરો અનુસાર, કોવિડ પછી બપ્પી દાને પણ ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી. ગયા વર્ષે પણ તેમને કોરોના થયો હતો અને તેમની તબિયત બગડી ગઈ હતી. ગઈકાલે ફરીથી બપ્પી લાહિરીની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા.