ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન
મહાભારતમાં તેમના પાત્ર નંદ માટે અભિનેતા રસિક દવે જાણીતા છે
મુંબઈની એક હોસ્પિટલમાં 2 વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા
મહાભારતમાં નંદ પાત્રથી કલાજગતમાં જાણીતા બનેલા ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન થયું હોવાનુ સામે આવ્યું છે. લાંબા સમયથી કિડનીની બીમારી સામે ઝઝૂમતા અભિનેતા રસિક દવેએ ગઇકાલે રાત્રે 8 વાગ્યે મુંબઈની હોસ્પિટલમાં આખરી શ્વાસ ખેચતા તેમના ચાહકો અને સિનેજગતમાં શોકના સાગરમાં ડૂબ્યાં છે.
અસંખ્ય હિન્દી અને ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં કામ કરનાર અને મહાભારતમાં તેમના પાત્ર નંદ માટે અભિનેતા રસિક દવે જાણીતા છે. તેઓ છેલ્લે કલર્સ ટીવી ચેનલ પર સંસ્કાર ધરોહર અપનોં કીમાં જોવા મળ્યા હતા અને તેમણે કરસનદાસ ધનસુખલાલ વૈષ્ણવનો કિરદાર નિભાવ્યો હતો. આ અગાઉ તેઓ એક મહેલ હો સપનો કા મા પણ જોવા મળ્યા હતા. જેમાં તેઑ એકના એક પુત્ર તરીકે શેખરની ભૂમિકા ભજવી હતી.
એટલું જ નહિ આ શોને 1000 એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો તરીકે પણ માનવમાં આવે છે. અને દૂરદર્શન પર પ્રસારિત થતી પ્રખ્યાત ટીવી ડિટેક્ટીવ શ્રેણી વ્યોમકેશ બક્ષીમાં તેઓ દેખાયા હતા. તેમની પત્ની કેતકી દવે પણ જાણીતી અભિનેત્રી છે અને ક્યૂંકી સાસ ભી કભી બહુ થી અને હિન્દી ફિલ્મ કલ હો ના હોમાં સૈફની માતા તરીકેની ભૂમિકા માટે જાણીતી છે.બંને પ્રખ્યાત દંપતીને એક પુત્રી રિદ્ધિ દવે છે તે પણ એક અભિનેત્રી છે.
અભિનેતા રસિક દવે મુંબઈની એક હોસ્પિટલમાં 2 વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેની બંને કિડની ખરાબ હોવાથી આ સમસ્યા સામે લાંબા સમયથી ઝઝૂમતા હતા. જેની સારવાર માટે તેઑ દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં જતા હતા. આ દરમિયાન હમણાંથી તેઓની તબિયત લથડી હતી આથી સારવાર અર્થે મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રસિક દવેની સારવાર કારગત ન નિવડતા તેમણે આજે હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા.આમ લાંબા સમયથી ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી કલા જગતમાં અનેરી ખ્યાતિ મેળવનાર જાણીતા અભિનેતા રસિક દવેનું આજે નિધન થતાં કલાજગતમાં શોક ફેલાયો છે.