- ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ત્રણ એક્ટર થયા કોરોના સંક્રમિત
- દીક્ષા જોશી, હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ
- ત્રણેય એક્ટર હોમ આઇસોલેશનમાં ગયા
ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે તથા મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દીક્ષાએ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર..’ દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ દીક્ષાએ ફિલ્મ ‘લકીરો’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં રોનક કામદાર, શિવાની જોષી, નેત્રી ત્રિવેદી મહત્ત્વના રોલમાં છે. આ ગુજરાતી ફિલ્મમાં જાઝ મ્યૂઝિકને પહેલી જ વાર એક્સપ્લોર કરવામાં આવ્યું છે.
ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હેમાંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.’ નોંધનીય છે કે હેમાંગ દવે પોતાના નેકસ્ટ પ્રોજેક્ટ માટે ગુજરાતભરમાં ફર્યો હતો. હેમાંગ દવે ‘મેડલ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને ધવલ શુક્લએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં મૌલિક નાયક, જયેશ મોરે, કિંજલ રાજપ્રિયા છે.
‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુખાવો અને મને ખ્યાલ નથી કે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે આપેલા તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. સાવેચત રહો. માસ્ક પહેરો.’ મિત્ર ગઢવી થિયેટર તથા ગુજરાતી સિનેમાનો જાણીતો એક્ટર છે. મિત્ર ગઢવીએ ‘બસ એક ચાન્સ’, ‘દાવ થઈ ગયો યાર’ તથા ‘શું થયું?’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.